BUSINESS : એમસીએક્સ પર નિકલના વાયદા કોન્ટ્રેક્ટનો પ્રારંભ

0
98
meetarticle

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ અમલમાં આવે તે રીતે નિકલના વાયદા કોન્ટ્રેક્ટનો પ્રારંભ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ કાર્યક્ષમ ભાવ શોધમાં ફાળો આપશે અને દેશભરમાં મૂલ્ય શ્રૃંખલાની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપશે.

નિકલ એ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ છે અને સ્ટેનલેસ સ્ટીલ નિર્માણ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇવી બેટરી અને અન્ય એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં મુખ્ય કાચો માલ છે. ભારત નિકલની આયાત પર નિર્ભર હોવાથી, નિકલનો ઉપયોગ કરતા ઉદ્યોગો ભાવમાં અસ્થિરતા અને પુરવઠાની અડચણોનો સામનો કરે છે, જે તેમના વ્યવસાયના માર્જિન પર નોંધપાત્ર દબાણ લાવતું હોય છે.

નિકલના વાયદા કોન્ટ્રેક્ટનો પ્રારંભ આ ઉદ્યોગોને તેમના ભાવ જોખમોનું સંચાલન કરવા માટે એક મજબૂત પદ્ધતિ પૂરી પાડશે, જે તેમને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ કોન્ટ્રેક્ટ આઇએનઆર ડિનોમિનેટ હોવાથી, તે સહભાગીઓને ફક્ત કોમોડિટી ભાવ જોખમ જ નહીં, પરંતુ તેમના ચલણ જોખમને પણ હેજ કરવામાં મદદ કરશે. ફિઝીકલ માર્કેટના ખેલાડીઓ ઉપરાંત, આ કોન્ટ્રેક્ટ નાણાકીય સહભાગીઓ અને રોકાણકારોને પોર્ટફોલિયો વૈવિધ્યીકરણ અને લિક્વિડિટી માટે એક એસેટ ક્લાસ તરીકે તકો પૂરી પાડશે.

આ કોન્ટ્રેક્ટમાં ટ્રેડિંગ યુનિટ અને ડિલિવરી યુનિટ અનુક્રમે 250 કિ.ગ્રા. અને 1500 કિ.ગ્રા. હશે, જે સપ્ટેમ્બર 2025ના સમાપ્તિ કોન્ટ્રેક્ટથી અમલમાં આવશે. છેલ્લો ટ્રેડિંગ દિવસ સમાપ્તિ મહિનાનો ત્રીજો બુધવાર હશે, અથવા રજાના કિસ્સામાં તેનો અગાઉનો કાર્યકારી દિવસ હશે. થાણા નિયુક્ત ડિલિવરી કેન્દ્ર હશે અને ડિલિવરીનો સમયગાળો કોન્ટ્રેક્ટ મહિનાના છેલ્લા ત્રણ કાર્યકારી દિવસોનો હશે. એક્સચેન્જ ફક્ત એલએમઇ માન્ય પ્રાથમિક નિકલ કેથોડ્સ, જેની લઘુત્તમ શુદ્ધતા 99.80%ની હશે, તેને ગુડ ડિલિવરી તરીકે સ્વીકારશે. ટિક સાઇઝ કિ.ગ્રા.દીઠ રૂ.0.10 હશે, જ્યારે દિનિક ભાવ મર્યાદા 4%ની હશે અને માર્જિન લઘુત્તમ 10% અથવા સ્પાન આધારિત, એ બંનેમાંથી જે વધુ હશે તે નક્કી કરવામાં આવશે.

આ વિકાસ અંગે ટિપ્પણી કરતાં, એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “આ લિસ્ટિંગ એમસીએક્સના બેઝ મેટલ કોન્ટ્રેક્ટ્સને વધુ કાર્યક્ષમ અને વિકસતી બજાર જરૂરિયાતો સાથે સંરેખિત કરવાના અમારા સતત પ્રયાસોનો ભાગ છે. શ્રેષ્ઠ ટ્રેડિંગ યુનિટ, સમાપ્તિ શેડ્યૂલ અને ડિલિવરી કેન્દ્રની રજૂઆત કરીને, અમે બજારના સહભાગીઓને સુધારેલ લિક્વિડિટી, ડિલિવરી સ્થાનની વધુ આગાહી અને વૈશ્વિક બેન્ચમાર્ક સાથે મેળ ખાતું પ્રોડક્ટ માળખું પૂરું પાડીએ છીએ. અમારો દૃષ્ટિકોણ ભારતને આપણા દ્વારા ઉપયોગમાં લેવાતી કોમોડિટીઝ માટે પોતાને ભાવ નિર્ધારક બનાવવાનો છે, જે દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફની ગતિમાં મદદ કરશે.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here