GUJARAT : જંબુસરમાં 25,000 અપાત્ર રેશનકાર્ડ ધારકોને નોટિસ, મફત અનાજનો ગેરલાભ લેનારાઓમાં ફફડાટ

0
94
meetarticle

જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા મામલતદાર કચેરી દ્વારા 25,000 થી વધુ રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે, જેઓ પાત્ર ન હોવા છતાં મફત અનાજનો લાભ લઈ રહ્યા હતા. આ કાર્યવાહીથી સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.


તાલુકા મામલતદાર એન.એસ. વસાવા અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં APL, BPL અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોના KYC (Know Your Customer) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડ અને પાન કાર્ડને રેશનકાર્ડ સાથે જોડવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગ દ્વારા મળેલા ડેટા મુજબ, જંબુસર તાલુકામાં 25,000 થી વધુ લોકો એવા છે જેઓ સસ્તા અનાજનો લાભ લેવા માટે પાત્ર નથી. આ તપાસમાં સામે આવ્યું છે કે:

* 20,895 રેશનકાર્ડ ધારકો જમીનદાર છે.
* 4 રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક રૂ. 25 લાખથી વધુ છે.
* 457 રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક રૂ. 6 લાખથી વધુ છે.
* 18 લોકો MCA (મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સ)માં ડિરેક્ટર પદ ધરાવે છે.

આ ઉપરાંત, કેટલાક ડુપ્લીકેટ રેશનકાર્ડ પણ મળી આવ્યા છે. આ તમામ લોકોને મામલતદાર કચેરી દ્વારા નોટિસ પાઠવીને 7 દિવસમાં પોતાની પાત્રતાનો ખુલાસો કરવા જણાવાયું છે. જો તેઓ આ સમય મર્યાદામાં યોગ્ય ખુલાસો નહીં કરે, તો તેમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
આ કડક પગલાંના કારણે, ગેરકાયદેસર રીતે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) યોજનાનો લાભ લેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મામલતદાર કચેરીની આ કાર્યવાહીથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સરકારી યોજનાઓનો સાચો લાભ પહોંચાડવામાં મદદ મળશે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here