ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યાં છે. છેડતીના બનાવો રોકવા અનેક પ્રયાસો છતાં રોમિયો બનીને ફરતા નબીરાઓને જાણે કાયદો કે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો.
સાબરકાંઠાના ઈડરમાં ઓડા ગામની વિદ્યાર્થીનીએ એસિડ ગટગટાવીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એસટી બસમાં સહપાઠીઓ દ્વારા છેડછાડના આક્ષેપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના ઈડરમાં ઓડા ગામની વિદ્યાર્થિની કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની એસ ટી બસમાં અવરજવર કરતી હતી. આ વિદ્યાર્થિની નર્સિંગનો અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની જ્યારે બસમાં અવર જવર કરતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેની સાથે છેડતી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીના આપઘાત બાદ જાદર પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ ધરી
પોલીસે આ ઘટનામાં પ્રિન્સ પરમાર, વિરેન્દ્ર ઠાકરડા, મહોમદ વસીમ લુહાર અને હર્ષ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે હિમાંશુ પરમાર અને હર્ષ વણકર પોલીસ પકડથી દૂર છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ઈડર પંથક અને કોલેજ પરિસરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાદર પોલીસે શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી પરંતુ આ ઘટનામાં અન્ય વિદ્યાર્થીઓના પણ નામ ખૂલ્યા હતાં.


