AHMEDABAD : સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ, અન્ય શાળામાં એડમિશનને અંગે DEOનો મોટો નિર્ણય

0
111
meetarticle

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક અઠવાડિયા બાદ ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ શિક્ષણ કાર્ય હાલ પૂરતું ઓનલાઈન જ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હાલ કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.

 

જિલ્લા શિક્ષણ અધિકારીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. આ માટે DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીના ચાર અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે. આ ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકનો પ્રવેશ સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છતા હશે તો તેમને મદદ કરશે.

પ્રોવિઝનલ એડમિશનની સુવિધા

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.

વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે.

શું હતી ઘટના? 

અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here