ઓપરેશન સિંદૂર બાદ ભારત સાથે તણાવ વધ્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાના નિર્ણય લીધો હતો જે હવે તેને ભારે પડી ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે તેને બે મહિનામાં લગભગ 127 કરોડ ભારતીય રૂપિયા (4.10 અબજ પાકિસ્તાની રૂપિયા)નું નુકસાન થયું છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં માહિતી અપાઈ
આ માહિતી શુક્રવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં માહિતી શેર કરવામાં આવી હતી. ભારતે 23 એપ્રિલે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કર્યાના એક દિવસ પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.
નુકસાન થવા છતાં અક્કડ નથી જતી!
24 એપ્રિલથી 30 જૂન, 2025 સુધી લેવાયેલા આ પગલાથી પાકિસ્તાનને ભારે નાણાકીય નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન લગભગ 100-150 ભારતીય વિમાનો પ્રભાવિત થયા હતા. જોકે, ‘ડોન’ અખબાર દ્વારા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સંરક્ષણ આર્થિક હિતોથી ઉપર છે.
પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું – દેશની સુરક્ષા સર્વોપરી છે
પાક. સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભલે નાણાકીય નુકસાન થયું હોય પરંતુ અમારા માટે દેશની સુરક્ષા સર્વોપરી છે. રસપ્રદ વાત એ છે કે આ નુકસાન છતાં, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીની કુલ આવક 2019 માં $5,08,000 થી વધીને 2025 માં $7,60,000 થઈ ગઈ છે.


