આજના ભૌતિકવાદી યુગમાં પણ શ્રદ્ધા અને સંસ્કારો જીવંત છે, તેનો ઉત્તમ નમૂનો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં જોવા મળ્યો છે. આંસુદરીયા ગામના એક યુવાને પોતાના પિતાની બીમારી દૂર થતા માનેલી માનતા પૂરી કરવા માટે રાજસ્થાન સ્થિત રામદેવરા(રણુજા) સુધીની 720 કિલોમીટરની કઠિન પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ખુલ્લા પગે પિતા માટે લીધેલી આ માનતાએ સમગ્ર પંથકમાં ચર્ચા અને આદર જગાવ્યો છે.

પંચમહાલ યુવકો ઉઘાડા પગે 720 કિમી દૂર રણુજા જવા રવાના
પંચમહાલના શહેરા તાલુકાના આંસુદરીયા ગામે બેંક પાસે રહેતા પ્રવીણ માનસિંગ ચારેલના પિતા આશરે ચાર મહિના પૂર્વે બીમારીનો ભોગ બન્યા હતા. પિતાની તબિયતને લઈને ચિંતિત પુત્ર પ્રવીણે આસ્થાના પ્રતીક એવા બાબા રામદેવપીર(રણુજા)ની માનતા માની હતી કે, જો તેના પિતા સ્વસ્થ થઈ જશે તો તે પગપાળા રણુજા ધામ જઈ બાબાના દર્શન કરશે. પ્રભુની કૃપા અને યોગ્ય સારવારથી પિતા સાજા થતા પ્રવીણે પોતાની આ કઠિન માનતા પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો. પદયાત્રાના પ્રારંભ પહેલા ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. પ્રવીણ અને તેની સાથેના અન્ય યુવાનોએ અખંડ જ્યોત સાથે ગામમાં આવેલા રામદેવપીરના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે પૂજ્ય જ્યોતિસર મહારાજ તેમજ વંદનીય જીત માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉમટીને પુત્રની પિતૃભક્તિને બિરદાવી હતી અને ભાવભીની વિદાય આપી હતી.
આંસુદરીયાથી રણુજાનું 720 કિલોમીટરનું અંતર
આંસુદરીયા ગામથી રાજસ્થાનનું રણુજા ધામ અંદાજે 720 કિલોમીટર દૂર આવેલું છે. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં પ્રવીણ અને તેના સાથીદારોએ પગમાં ચંપલ પહેર્યા વગર જ આ યાત્રા શરૂ કરી છે. પ્રવીણને રણુજા પહોંચતા 17થી 20 દિવસનો સમય લાગશે અને તેઓ દિવસનું 30 થી 35 કિલોમીટર સુધી ચાલવાનું લક્ષ્ય ધરાવે છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, “આ માત્ર એક પદયાત્રા નથી, પણ એક પુત્રની શ્રદ્ધાની કસોટી છે. આટલી ગરમીમાં ડામરના રોડ પર ચાલવું અશક્ય હોય છે, છતાં રામદેવપીરના નાદ સાથે આ યુવાનો અડગ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે.” સોશિયલ મીડિયા અને આધુનિકતાના યુગમાં જ્યારે સંયુક્ત કુટુંબની ભાવના ઓછી થઈ રહી છે, ત્યારે પ્રવીણ ચારેલનું આ પગલું સમાજ માટે દિવાદાંડી સમાન છે.
