પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં આવેલો પાનમ ડેમ હાલ ૧૦૦ ટકા સંપૂર્ણ ભરાઈ ગયો છે, ત્યારે ડેમમાં ૧૦ પૈકી બે નંબરના દરવાજાની આગળ લીકેજ થયાનું બહાર આવતા તંત્ર દોડતું થયું હતું.

પાનમ યોજના વર્તુળ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ડેમ પર પહોંચી દરવાજાની લીકેજની સ્થિતિ જોતા દરવાજાની ડાબી બાજુ રબર સીલ લીકેજ થયાનું જણાયું હતું. જેથી પાનમ યોજના વર્તુળ વિભાગ અને યાંત્રિક વિભાગ-૧ વડોદરો રબર સીલ લીકેજને બંધ કરવા કામગીરી હાથ ધરી હતી.
કાર્યપાલક ઈજનેરો અને બીજા ઈજનેરોએ લીકેજ બંધ કરવાની કામગીરી શરૃ કરી છે. આ કામગીરી કરતા દશ બાર કલાકનો સમય લાગી શકે તેવી શક્યતા છે. સ્ટોપ લોક ઈન્સ્ટોલ કર્યા બાદ બે નંબર દરવાજો બદલીને નવો દરવાજો નાખવાની કામગીરી હાથ ધરાશે. તેમ પાનમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.પાનમ ડેમના દરવાજામાં લીકેજ થતાં નદી કાંઠા અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેથી ડેમ સુરક્ષિત હોવાથી ખોટી અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે.
થોડા સમય અગાઉ ડેમ સુરક્ષાને ધ્યાને રાખી ડેમના તમામ ૧૦ દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દરવાજા બદલી નાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૮ બદલવાની કામગીરી હવે શરૃ થવાની છે. પાનમ ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો મોટો ઔડેમ છે. આ ડેમ ૧૯૭૭-૭૮ માં બનાવ્યો હતો.

