એક તરફ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ત્યારે બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ થિયેટરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં હાસ્ય અને પ્રેમની ભરપૂર સ્ટફિંગ પણ ઉમેરવામાં આવી છે. જે દર્શકોને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. પરમ અને સુંદરી આ બંનેની કેમિસ્ટ્રી એટલી દમદાર છે કે તે જોઈને તમે હસીહસીને લોટપોટ થઇ જશો, ચાલો જાણીએ આ ફિલ્મ વિશે…
જાણો ફિલ્મની વાર્તા…
પરમ (સિદ્ધાર્થ મલ્હોત્રા) જે શ્રીમંત પરિવારનો દીકરો છે, જે તેના પિતા (સંજય કપૂર)ની અરબોની મિલકતને પોતાના દમ પર વધારવા ઈચ્છે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે તેની ખરાબ કિસ્મતને કારણે તેના પ્રોજેક્ટ્સ દરેક વખતે નિષ્ફળ રહે છે. સતત નુકસાન થવા છતાં પરમ એક એવી ઍપ લોન્ચ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરે છે, જે સોલમેટને મળાવાનો દાવો કરે છે. પણ આ વખતે પરમના પિતા પરમને એક અલ્ટીમેટમ આપે છે કે તે સાબિત કરી બતાવે કે આ એપ કામ કરશે કે નહીં, અથવા તો તે તેના પિતાના પૈસાને ભૂલી જાય, વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે પરમની એપ તેને કેરળમાં રહેનારી ખૂબ સુંદર છોકરી સુંદરીને મળાવે છે. પરમ પોતે તેની એપની સત્યતા જાણવા અને સાબિત કરવા સુંદરીને મળવા પહોંચે છે. આગળ શું થાય છે તે જાણવા તમને થિયટરમાં જઇ ‘પરમ સુંદરી’ જોવી પડશે.
કેવી છે આ ફિલ્મ?
ફિલ્મ ‘પરમ સુંદરી’ એક એવી પ્રેમ વાર્તા છે, જે બોલિવૂડની બાકીની મસાલા ફિલ્મોથી સાવ જુદી છે. અહીં ન તો કોઈ ધમાકેદાર ડ્રામા છે, નહી કે કોઈ લાગણીઓનો ઓવરડોઝ. આ એક સરળ, પણ આ એક હૃદયસ્પર્શી વાર્તા છે. આ ફિલ્મ જણાવે છે કે પ્રેમ કરવા કોઈ ઘોંઘાટ અને શોરબકોરની જરૂર હોતી નથી, ક્યારેક ક્યારેક તે સાદાઈમાં જ સૌથી સરસ લાગે છે. મેડોક ફિલ્મ્સ અને દિનેશ વિજાને ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી અને હૃદય જીતી લે તેવી વાર્તાઓ કેવી રીતે બનાવવી તે જાણે છે.
દિગ્દર્શન
ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટાએ ‘પરમ સુંદરી’ને માત્ર એક કહાણી નહીં, પરંતુ એક લાગણી બનાવી દીધી છે. તેનુ દિગ્દર્શન એટલુ સરળ અને હૃદયસ્પર્શી છે કે તમે વાર્તા સાથે સીધી રીતે જોડાઈ જશો આ ફિલ્મોમાં તમને જૂની ફિલ્મો અને વાર્તાના તત્ત્વો જરૂર મળશે. જેવી રીતેકે ‘નોર્થ-સાઉથની વાઇબ’, ‘શહેર અને ગામડાનું જૂદુ જીવન’ અને ‘જુદા સ્વભાવના લોકોને મળવું’- પણ જે રીતે આ બધા તત્ત્વોને પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે આજની સૌથી સુંદર લવ સ્ટોરીમાંથી એક બનાવે છે. સરસ સ્ક્રીનપ્લે, સુંદર એક્ટિંગ અને હૃદયને પીગળી જાય તેવા ગીતો. તુષાર જલોતે આ બધી વસ્તુઓનો ખૂબ જ સરસ ઉપયોગ કર્યો છે.
અભિનય
ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પરમની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી છે. ફિલ્મમાં ક્યારેક તે હસાવે છે, તો કયારે ભાવુક થઈને હૃદયનેસ્પર્શે તેવા ડાયલોગ બોલે છે. પરંતુ ‘પરમ સુંદરી’ની સાચી ભેટ તો જાહ્નવી કપૂર છે. સુંદરીના પાત્રમાં તેણે એક અલગ જ સ્તરનો અભિનય કર્યો છે. તે એક જિદ્દી અને આત્મવિશ્વાસી દક્ષિણ ભારતમાં જન્મેલી છોકરી છે, જેની પોતાની એક અલગ દુનિયા છે. સિદ્ધાર્થ અને જાહ્નવીની જોડીની કેમિસ્ટ્રી આ ફિલ્મને વધુ ખાસ બનાવી છે. તે બંનેની વચ્ચેની વાતચીત, તેમનો પ્રેમ, અને નાના ઝઘડા પણ સાચા લાગે છે. આ એક એવી રોમેન્ટિક ફિલ્મ છે જે આજથી 30 થી 40 વર્ષ પહેલાના પ્રેમની યાદ અપાવી છે.


