શહેરના રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35 ને અચાનક તાળા મારી દેવાતાં વાલીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. છેલ્લા બે દિવસથી શાળા બંધ રહેતા અહીં અભ્યાસ કરતા 85 થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વાલીઓના જણાવ્યા મુજબ, આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની હિલચાલ ચાલી રહી છે, જેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે. તેમનો મુખ્ય વાંધો એ છે કે રાવળિયાવાડ વિસ્તારના મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના છે. જો શાળાને દૂર ખસેડવામાં આવે તો બાળકોને ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડશે અને તેમના ભણતર પર ગંભીર અસર થશે.
આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. શાળાને તાળા લાગી જવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. વાલીઓએ સત્તાધીશોને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી શાળા ફરી શરૂ કરવાની માંગ કરી છે. જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે.


