ભરૂચ એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ, અને નોકરી-ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે. અને એસ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા અપાતા બેજવાબદાર જવાબો પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યા છે.
સવારે ભરૂચથી આમોદ અને જંબુસર તરફ જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો બસ ડેપો પર સમયસર બસની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સમયસર બસ ન આવતા આશરે 200 જેટલા મુસાફરો ડેપોમાં અટવાઈ પડ્યા હતા. ઘણા મુસાફરોએ આ સમસ્યા અંગે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે જવાબદારીમાંથી હાથ ખંખેરતા ATI ને ફોન કરવાનું જણાવ્યું હતું. જ્યારે મુસાફરોએ એટીઆઈ કિરીટભાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમને માત્ર “બસ આવશે તો જશે” એવો ઉડાવ જવાબ આપ્યો હતો. જેનાથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે 32 પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં આશરે 90 જેટલા મુસાફરોને ભરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં મુસાફરોને ઘેટા-બકરાની જેમ મુસાફરી કરવાની ફરજ પડી હતી. બસમાં ભીડ એટલી હતી કે, મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા ન હોતી. પુરુષોથી ખીચોખીચ ભરેલી આ બસમાં ફરજ બજાવી રહેલ મહિલા કંડક્ટરની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
આ માત્ર ડેપોની વાત નથી પરંતુ ભરૂચ પાંચબત્તી અને બાયપાસ પરથી મુસાફરી કરતા લોકોની હાલત પણ દયનીય છે. સમયસર બસ ન મળતા અને બસમાં જગ્યા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ, રોજગાર અર્થે જતા લોકો અને અન્ય મુસાફરોને દરવાજા પર લટકીને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. આ દ્રશ્યો એસટી વિભાગના તંત્રની બેદરકારી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટપણે દર્શાવે છે. મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એસટી વિભાગના અધિકારીઓનો ઉડાઉ જવાબ અને બેદરકારીભર્યું વર્તન બતાવે છે કે, તેઓ મુસાફરોની સુરક્ષા અને સુવિધા પ્રત્યે સંપૂર્ણપણે નિંદ્રામાં છે. ભરૂચ એસટી વિભાગની આ બેદરકારીએ સામાન્ય જનતા માટે મુસાફરી એક પીડાદાયક અનુભવ બનાવી દીધો છે. અને આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે. સવાલ એ છે કે શું તંત્ર આ ગંભીર બેદરકારીને દૂર કરવા માટે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોશે?
મુસાફરોની હાલાકી અને એસટી વિભાગના ઉડાઉ જવાબોથી લોકોમાં રોષ ઉગ્ર બન્યો છે. આ પરિસ્થિતિને કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવાની માંગ ઉગ્ર બની છે. સ્થાનિક રહીશો અને મુસાફરોની માંગ છે કે, એસટી વિભાગ સમયપત્રકનું કડક પાલન કરે, બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી બેદરકારીનું પુનરાવર્તન ન થાય. જો તંત્ર આ માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે મુસાફરો હવે પોતાના જીવના જોખમે મુસાફરી કરવા તૈયાર નથી.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


