ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં ગણેશજી આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. જયારે પ્રકૃતિના ખોળે આવેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચલામલી ગામ ખાતે ગરબીચોક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે ‘સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી’ થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પંડાલમાં ગરબીચોક યુવક મંડળના સભ્યો દ્વારા સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વારલી ચિત્ર કલા, લોકવાદ્ય, ખેતીના ઓજારો, ઘર વપરાસમાં ઉપયોગી વસ્તુઓ, દેવોના ઘોડા દ્વારા પંડાલને સુશોભન કરવામાં આવ્યું છે.
ગણેશ પંડલની બાજુમાં નાની કુટીર બનાવી સ્વદેશી ચીજ-વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સ્વદેશી કુટીર દ્વારા સમાજને સ્વદેશી અપનાવોનો સંદેશ આપવા આવ્યો છે. કુટિરમાં વિવિધ જીવન જરૂરિયાતની
ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે જે કુટીર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મંડળના યુવાન ડૉ.જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું કે, ગરબીચોક યુવક મંડળ વણધા ચલામલી ગરબીચોક યુવક મંડળ ૪૮ વર્ષોથી કાર્યરત છે. ગરબીચોક યુવક મંડળમાં કુલ 30 સભ્યો છે જે દર વર્ષે ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રી અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી નવી નવી થીમો લાવે છે.
વધુંમાં તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલા જે વસ્તુઓ વાપરવામાં આવતી તે આજના સમયમાં વિસરાઈ ગઈ છે. એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી સમાજને અને સૌને જુની સ્મૃતિ યાદ કરાવીએ છીએ. સાથે ‘સ્વદેશી અપનાવો દેશ બચાવો’ અંતર્ગત રોજીંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા સંદેશો આપીએ છીએ.આજના મોબાઇલના યુગમાં બાળકો જે રમતો ભૂલી ગયા છે તેવી દેશી રમતો દરરોજ રમાડીએ છીએ. જેમાં સંગીત ખુરશી, ડબ્બાફોડ, લીંબુ ચમચી, કેળા કુદ, ફુગ્ગા ફોડ, સોયદોરો જેવી દેશી રમતો સામેલ છે.
રિપોર્ટર :સોહેલ પઠાણ છોટાઉદેપુર




