અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી ₹૩૦,૦૦૦ ની કિંમતની મોટરસાયકલ રિકવર કરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફ વાલીયા રોડ પર આવેલા કાપોદ્રા પાટિયા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે વાલીયા તરફથી એક શંકાસ્પદ ઈસમ મોટરસાયકલ પર આવતા પોલીસે તેને અટકાવ્યો. પોલીસે જ્યારે તેની પાસે મોટરસાયકલના કાગળો અને આર.સી. બુક માંગી ત્યારે તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.
પોલીસને શંકા જતા, તેઓ તેને મોટરસાયકલ સાથે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે આ મોટરસાયકલ તેણે મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના ગેટ બહાર પાર્કિંગમાંથી ચોરી કરી હતી.
આરોપીની ઓળખ સુનીલભાઈ પરબતભાઈ નાયક (ઉંમર ૨૭, રહેવાસી: કોંઢ ગામ, સ્ટેશન ફળિયું, તા. વાલીયા, જી. ભરૂચ) તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મોટરસાયકલ હીરો કંપનીની પેશન પ્રો (રજી.નં. GJ-04-CQ-8352) છે, જેની કિંમત આશરે ₹૩૦,૦૦૦ છે.


