અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 કલાકે ટોપ ઈકોનોમિક બોડીની મહત્ત્વની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ પીએમ મોદી ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક યોજશે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત સાત કેન્દ્રીય મંત્રીઓ ભાગ લે તેવી આશા છે. આ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન પર સાંજે 6.30 કલાકે યોજાશે.
ભારત પર અમેરિકાનો ટેરિફ બોંબ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી 27 ઓગસ્ટથી વધુ 25 ટકા ટેરિફ ઝિંકવાનો નિર્ણય કર્યો હતો. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની યોજના બનાવ્યા બાદ પીએમ મોદી આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક યોજી રહ્યા છે. અમેરિકન ટેરિફના કારણે 40 અબજ અમેરિકન ડૉલરની ભારતીય નિકાસને અસર થવાની આશંકા છે.
ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે (18 ઓગસ્ટ) ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વાંગ યી અને NSA અજીત ડોભાલ વચ્ચે બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ માટે ચર્ચા થવાની સંભાવના છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ ઝિંકી સંબંધો બગાડી રહ્યા છે, તો બીજીતરફ ભારત અને ચીન નજીક આવી રહ્યા હોવાથી વાંગ યી અને ડોભાલની મુલાકાત પર સૌની નજર છે.
અમેરિકાએ ટેરિફ મામલે ભારત સાથે યોજાનાર બેઠક રદ કરી
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે છેલ્લા ઘણા દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભારતને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી કોઈ રાહત મળે તેવું લાગતું નથી. કારણ કે, અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો રદ કરી દીધી છે. જોકે કયા કારણોસર દિલ્હીનો પ્રવાસ ટાળવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. આ બેઠક 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં યોજાવાની હતી. એક અમેરિકન અધિકારીએ માહિતી આપી હતી કે આ મુલાકાત કદાચ પછીથી યોજવામાં આવશે. અત્યાર સુધી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અંગે પાંચ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ છે. છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો યોજાવાની હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે.


