ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંક્લેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડી.જી. નગર સોસાયટીમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગડખોલ પાટિયા નજીક ડી.જી. નગર સોસાયટીના મકાન નંબર B/23 માં કિરિટકુમાર રણછોડભાઈ ફળદુ નામના વ્યક્તિ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતા હતા. આ માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગારના સાધનો, રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૨૮,૮૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં મકાન માલિક કિરિટકુમાર ફળદુ સહિત હિતેશભાઈ દાવડા, હસમુખભાઈ છાયા, કનુભાઈ રોહિત, મહેશકુમાર પરમાર, જમનભાઈ બુટાણી, હરસુખભાઈ ફળદુ, વિપુલભાઈ ભંડેરી અને કિશોરભાઈ પાટીલનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અંક્લેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી પોલીસે જુગારના અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસી છે.


