ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતા વાગરા તાલુકાના દહેજ ગામમાં આજે સ્વચ્છતા અને સફાઈના અભાવે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગામના મુખ્ય રસ્તાઓ, ફળિયાઓ અને જાહેર સ્થળોએ કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન દુષ્કર બન્યું છે.
ગામની આંગણવાડી, કંદોઈ ફળિયું, ઠુંઠયું ફળિયું અને મુખ્ય બજાર તરફ જતા રસ્તાઓ પર ગંદકીના ઢગલા જોવા મળે છે. બાળકો જ્યાં ભણતર મેળવે છે, તે આંગણવાડીની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. આ સ્થિતિ દહેજ ગ્રામ પંચાયતની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી છતી કરે છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પણ પશુઓના મળ અને ગંદકી જોવા મળે છે, જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ગામના જાગૃત નાગરિક અને રાજકીય અગ્રણી કિશોરસિંહ રાણાએ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગંદકીના ફોટા વાયરલ કરીને પંચાયત તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ પણ કર્યો છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોને ભય છે કે આ ગંભીર ગંદકીને કારણે ગામમાં રોગચાળો ફેલાઈ શકે છે.
દહેજના રહેવાસીઓ ગ્રામ પંચાયત પાસેથી તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન શરૂ કરવાની અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની અપેક્ષા રાખી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ઔદ્યોગિક નગરી તરીકેની દહેજની નામના પર ગંદકીનું કલંક લાગશે.


