PORBANDAR : ગોસા (ઘેડ) ગામે રામદેવજી મહારાજનો બાર પ્રહર પાટોત્સવ અને મોમાઈ માતાજીના કળશની ભવ્ય ઉજવણી

0
48
meetarticle

પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) ગામે એસ.ટી. ડેપો પોરબંદરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને ભજનપ્રેમી એવા રબારી સમાજના યુવા અગ્રણી જેઠાભાઈ વીરાભાઈ કોડીયાતર પરિવાર દ્વારા કુળદેવી શ્રી વિહત માતાજીની અસીમ કૃપાથી મોમાઈ માતાજીના કળશની સ્થાપના, શ્રી રામદેવજી મહારાજના બાર પ્રહર પાટોત્સવ, સવાસો છેલણ, પૌત્રના બારોટજીના ચોપડે નામકરણ વિધિ તથા સમસ્ત ગોસા (ઘેડ) ગામ માટે મહા પ્રસાદ (જમણવાર) સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


સવંત ૨૦૮૨ના પોષ વદ ૯, રવિવાર તા. ૧૧/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સમયે મોમાઈ માતાજીના કળશની સ્થાપના કરવામાં આવશે. આ પાવન પ્રસંગે ઓડદર મોમાઈ માતાજી મઢના પૂજ્ય ભુવાઆતા સરમણઆતા રામાઆતા મુસાર તથા અમરેશ આતા સરમણઆતા મુસારની પાવન પધરામણી થશે. રવિવારે સમગ્ર રબારી સમાજના ગામે ગામથી સગાસંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે. આ પાવન પ્રસંગે સોમવાર તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ બપોરે માતાજીના કળશની પીણીનો કાર્યક્રમ યોજાશે.
આ જ દિવસે, સોમવાર તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ જેઠાભાઈ વીરાભાઈ કોડીયાતરના પુત્ર રામભાઈ જેઠાભાઈ કોડીયાતરના સુપુત્ર ચિ. પૃથ્વીના બારોટજીના ચોપડે નામકરણ રબારી સમાજના લોજવારા બારોટ બટુકભાઈ લખમણભાઈ દ્વારા વિધિ વિધાનપૂર્વક કરવામાં આવશે.
ત્યારબાદ આ પાવન અવસરે સનાતન ધર્મના તારણહાર અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણના અંશ અવતાર નેજાધારી શ્રી રામદેવજી મહારાજના બાર પ્રહર પાટોત્સવનું કુંભ સ્થાપન પણ શુભ ચોઘડિયે કરવામાં આવશે. આ પાટોત્સવ અંતર્ગત સાંજે ૩:૦૦ કલાકે સામૈયા, સાંજે ૫:૩૦ કલાકે સમસ્ત ગોસા (ઘેડ) ગામ માટે ધુમાડાબંધ મહા પ્રસાદી (જમણવાર) યોજાશે. રાત્રે ૧૦:૦૦ કલાકે જ્યોત પ્રાગટ્ય કરવામાં આવશે, જે અખંડ ૩૬ કલાક સુધી પ્રગટ રહેશે.
શ્રી રામદેવજી મહારાજના બાર પ્રહર પાટોત્સવ દરમ્યાન સામૈયા બાદ મહા પ્રસાદી જાતિ-જ્ઞાતિના ભેદભાવ વિના બે દિવસ સુધી અવિરત ચાલુ રહેશે. આ ધાર્મિક મહોત્સવમાં પાટોત્સવના ગાદીપતિ તરીકે ગોસા(ઘેડ) ના સુરેશવન મગણવન ગોસ્વામી બિરાજશે, જ્યારે કોટવારી તરીકે નાથાભાઈ ધાનાભાઈ કોડીયાતર તથા પોપટભાઈ ગાંગાભાઈ ઓડેદરા (ગોસા-ઘેડ) ફરજ નિભાવશે.
કોડીયાતર પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ધાર્મિક પ્રસંગને લઈને રબારી સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. આ અવસરે જેઠાભાઈ વીરાભાઈ કોડીયાતર પરિવાર દ્વારા સોમવાર ના આરંભ થતા રામદેવજી મહારાજના બાર પ્રહર પાટોત્સવ માં સાધુ-સંતો, મહંતો, ગતગંગા, સતીજતી તેમજ સ્નેહી મિત્રમંડળને ભાવભર્યું આમંત્રણ પાઠવી આ ધાર્મિક મહોત્સવનો લ્હાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here