પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ બની રહ્યો. ગામના પ્રગતિશીલ ખેડૂત રાજશીભાઈ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી ‘ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’નો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.

આજના સમયમાં લગ્ન એટલે વૈભવ અને દેખાડાનો પર્યાય બની ગયા છે, ત્યારે રાજશીભાઈએ આ પરંપરાગત વિચારધારાને તોડીને લગ્ન મંડપ પાસે પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપતો સ્ટોલ ઉભો કર્યો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોને રાસાયણિક મુક્ત ખેતીના ફાયદા, ગાય આધારિત કૃષિ પદ્ધતિ અને સ્વાસ્થ્યલાભ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગની સૌથી વિશેષ વાત એ હતી કે લગ્ન જમણવારમાં પીરસાયેલું દરેક ભોજન પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા અનાજ અને શાકભાજીથી તૈયાર કરાયું હતું. મહેમાનોના જણાવ્યા મુજબ લાંબા સમય પછી તેમને હળવું, સ્વાદિષ્ટ અને સ્વસ્થ ભોજન મળ્યું હોવાની અનુભૂતિ થઈ હતી.
રાજશીભાઈએ જણાવ્યું હતું કે ખેતી સાથે ધરતી માતા અને ગાય માતાનું સંરક્ષણ અત્યંત જરૂરી છે. ગાય, ગામડું અને ગાય આધારિત ખેતી બચશે તો જ માનવજીવન અને આવનારી પેઢીનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. પ્રાકૃતિક આહાર, શુદ્ધ દૂધ-ઘી અને ગૌઆધારિત જીવનશૈલી અપનાવવાથી રોગો ઘટશે અને દવાખાનાઓની જરૂરિયાત પણ ઓછી થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે હાજર રહેલા ઉદ્યોગપતિ તથા ગૌસેવક ભરતભાઈ પરસાણાએ રાજશીભાઈના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે ધરતી અને ગાયને બચાવવાનો એકમાત્ર સાચો માર્ગ પ્રાકૃતિક ખેતી છે. દરેક ખેડૂત આ દિશામાં આગળ વધશે તો ભારત ફરી ‘સોને કી ચીડિયા’ બનશે.
રાજશીભાઈની આ પહેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત ‘પ્રાકૃતિક ખેતી’ અભિયાનને જમીનસ્તરે મજબૂતી આપી રહી છે. આ પ્રસંગે ટુકડા ગોસા ના અનમોલ પ્રાકૃતિક ફાર્મના ખેડૂત લખમણભાઈ ઓડેદરા તેમજ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટન્ટ બાદલભાઈ કાનગડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેમિકલયુક્ત ખેતીના વધતા જોખમો વચ્ચે રાજશીભાઈએ અપનાવેલો આ માર્ગ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સંસ્કૃતિને બચાવવાનો દીવાદાંડી સમાન સંકલ્પ બની રહ્યો છે—જે એક લગ્ન પ્રસંગથી શરૂ થઈ સમગ્ર સમાજને ઉજાસ આપે છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

