PORBANDAR : ગુજરાતના ૧૮૨ ધારાસભ્યમાં થી પોતાના ખર્ચે દર વર્ષે ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવનાર એક માત્ર કાંધલભાઈ જાડેજા

0
34
meetarticle

૮૪ કુતિયાણા–રાણાવાવ વિધાનસભા બેઠકના લોકલાડીલા અને ખેડૂત હિતરક્ષક ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવી પોતાના મતવિસ્તારના લોકો અને ખેડૂતો માટે ખરા અર્થમાં લોકપ્રહરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોમાં તેઓ એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જે દર વર્ષે પોતાના ઘરના ખર્ચે ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી છોડાવે છે.


મતવિસ્તારમાં જનતા કે ખેડૂતોને જ્યારે પણ કોઈ પ્રશ્ન કે મુશ્કેલી ઊભી થાય ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા હંમેશા તેમની પડખે ઉભા રહ્યા છે. ખાસ કરીને દર વર્ષે શિયાળુ રવિ પાક દરમિયાન જ્યારે કેનાલો, વોંકળા, સ્થાનિક તળાવો અને ડેમોમાં પાણીની અછત સર્જાય છે, ત્યારે ખેડૂતોની વ્હારે આગળ આવી પોતાના ખર્ચે વિવિધ ડેમોમાંથી પાણી ભરાવીને સિંચાઈ માટે છોડાવે છે.
આ વર્ષે પણ શિયાળુ પાક માટે ખેડૂતોને પાણીની તંગી ન પડે તે માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પોતાના મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુસર અલગ–અલગ ડેમમાંથી પાણી છોડાવવા માટે મજૂરી સરકારમાં નિયમ અનુસાર મંજૂરી માગી છે. મંજૂરી મળતાં જ સરકારના નિયમ મુજબની રકમ પોતે ભરી તાત્કાલિક ધોરણે પાણી છોડાવવાની તેમની પ્રતિબદ્ધતા છે.
આ અનુસંધાને તેમણે રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ રાણાવાવ તાલુકાના ઠોયાણા, ભોળદર, મહિરા, નેરાણા, જાંબુ, કેરાળા અને પાદરડી તેમજ પોરબંદર તાલુકાના એરડા, દેરોદર અને લુશાળા ગામોને નીકળતી મીણસાર નદીમાં હાલ ખારું અને મોળું પાણી ભરાયેલ હોવાથી ખેડૂતોને કોઈ સિંચાઈ લાભ મળતો નથી. આ ગામોમાં એક પણ પાક લેવામાં ખેડૂતો અસમર્થ બન્યા છે. રાણા ખીરસરા ડેમ સિવાય અન્ય કોઈ ડેમમાંથી આ વિસ્તારો સુધી પાણી પહોંચવું શક્ય ન હોવાથી, નિયમ મુજબ ૫૦ એમ.સી.એફ.ટી. પાણી નદીમાં છોડવાની મંજૂરી આપવા અને જરૂરી રકમ પોતે ભરવા તૈયાર હોવાની સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે.
તેમજ ઇશ્વરીયા નાની સિંચાઈ યોજનામાંથી પાણી છોડવા બાબતે કરેલી ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે માલ, કોટડા, મહોબતપરા અને કુતિયાણા ગામોમાં આશરે ૮૦ હેક્ટર વિસ્તારમાં ચણા, ઘઉં, જુવાર સહિતના શિયાળુ પાકોનું વાવેતર થયેલ છે. આ પાકો માટે પિયતના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં સરકારના નિયમ મુજબની રકમ ભરી ઇશ્વરીયા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ભાદર–૨ ડેમમાંથી ૩૦૦ એમ.સી.એફ.ટી. પાણી તથા બાંટવાના ખારા ડેમમાંથી ૮૦ એમ.સી.એફ.ટી. પાણી નિયમ મુજબ છોડવાની ભલામણ કરી છે, જેથી ઘેડ વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે જરૂરી સિંચાઈ મળી શકે.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના મતવિસ્તારમાં સિંચાઈની જરૂરિયાતને ધ્યાને રાખીને વિવિધ ડેમમાંથી પાણી છોડાવવા માટે મંજૂરી માગવામાં આવી છે. સરકાર તરફથી મંજૂરી મળતાં જ કોઈ વિલંબ વિના પોતાના ખર્ચે ખેડૂતો માટે પાણી છોડાવવામાં આવશે. સાથે જ તેમણે જનતાને ભ્રામક વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાવાની અપીલ પણ કરી છે.
ખરેખર, ત્રણ ટર્મથી સતત ચૂંટાઈ આવતા અને પોતાના પૈસે ખેડૂતોના હિતમાં સિંચાઈનું પાણી છોડાવનાર કાંધલભાઈ જાડેજા ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યોમાં એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here