પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ડૉ. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદર ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની પ્રેરણાથી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરવા પાત્ર બનેલા યુવા મતદાતાઓને મતદાર જાગૃતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે યુવા મતદાતાઓ લોકશાહીના મજબૂત આધારસ્તંભ છે અને ભારતના ભવિષ્યના નિર્માણમાં તેમની ભૂમિકા અતિ મહત્વની છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં નામ નોંધણીનું પ્રમાણ વધારવું, યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવું તથા દરેક વયસ્ક નાગરિકના મતાધિકારને સુનિશ્ચિત કરવો છે.
પ્રાંત અધિકારી સંદીપ જાદવે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાના હેતુ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતના નિર્વાચન આયોગની સ્થાપના થયેલી હોવાથી વર્ષ ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે યુવાનોને મતદાનનું મહત્વ સમજાવવા માટે નિર્વાચન આયોગ દ્વારા તૈયાર કરાયેલા માહિતીપ્રદ વિડિયો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એસઆઇઆર (SIR) પ્રક્રિયામાં ઉત્તમ કામગીરી બદલ બીએલઓ તથા બીએલઓ સુપરવાઇઝરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર વિદ્યાર્થીઓ, વિવિધ કોલેજોના આચાર્યો તેમજ સુંદર કામગીરી બદલ સ્વીપ ટીમના સદસ્યોને સન્માનપત્ર આપી ગૌરવવામાં આવ્યા હતા.
ત્યારબાદ સ્વીપ ટીમના સદસ્ય ડૉ. જિગ્નેશભાઈ પ્રશ્નાણીએ ઉપસ્થિત તમામને મતદાનના મહત્વ અંગે સમૂહ પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણ અધિકારી તથા સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમારે આભાર વિધિ કરતા જણાવ્યું હતું કે સમગ્ર તંત્રના સહયોગથી એસઆઇઆર જેવી મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઇ રહી છે. તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે જય પંડ્યાએ સુંદર સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ તથા નર્સિંગ કોલેજના અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ યુ. જાડેજા, મામલતદાર ભરત સંચાણીયા સહિત અન્ય અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

