પોરબંદર જિલ્લામાં પોષણ માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરના વિવિધ ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોમાં પોષણ, સ્વચ્છતા અને બાળ સંભાળ વિષે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાના પોરબંદર-૧, પોરબંદર-૨, રાણાવાવ અને કુતિયાણા ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં અનેક લાભાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
આજે યોજાયેલા કાર્યક્રમોમાં મુખ્યત્વે “પુરુષોની સહભાગિતા વધારવી” તથા “પોષણ અને બાળ સંભાળ બાબતે પિતા કેન્દ્રિત વર્કશોપ” જેવા વિષયો પર માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી.લાભાર્થીઓને પોષણનું મહત્વ, સ્વચ્છતા, બાળ આરોગ્ય અને આઇવાયસીએફ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. પિતાઓની બાળ સંભાળ અને પોષણ પ્રત્યેની જવાબદારી વધે તે હેતુથી “પુરુષો માટે ખાસ સેશન” તથા “પિતા કેન્દ્રિત વર્કશોપ” પણ યોજવામાં આવ્યા હતા.

રાણાવાવ અને કુતિયાણા ઘટકમાં યોજાયેલા કાર્યક્રમોમાં “પોષણ ચેમ્પિયન” તરીકે બાળ સંભાળમાં સક્રિય સહભાગી પિતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જે પિતાઓના બાળકો અગાઉ SAM કેટેગરીમાં હતા અને હવે લીલા ગ્રેડમાં આવ્યા છે તેવા પિતાઓને પ્રોત્સાહનરૂપે સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમોમાં સી.ડી.પી.ઓ. શ્રીમતી શિલ્પાબેન બાપોદરા,મુખ્ય સેવિકા શ્રીમતી જયશ્રીબેન મારૂ, મુખ્ય સેવિકાબેનો,આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો, નર્સ બહેનો તથા કિશોરીઓ વિગેરે બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.
REPORTER : વિરમભાઈ કે. આગઠ

