કુતિયાણા તાલુકાના ધ્રુવાડા સેવા સહકારી મંડળીમાં વર્ષ ૨૦૧૦ દરમિયાન થયેલી કથિત નાણાં ઉચાપતની ફરિયાદ સંબંધે નોંધાયેલ ૧૫ વર્ષ જૂના કેસમાં પોરબંદર અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના અનુસાર જુના કેસો ઝડપથી પૂર્ણ કરવાની પ્રક્રિયા હેઠળ પોરબંદરના એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી અનુરાગ રાજેન્દ્રપ્રસાદ દ્રિવેદીએ તમામ પુરાવા અને દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ ધ્રુવાડા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી શ્રી નાગેન્દ્ર જેન્તીલાલ જોશીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં તાલુકા વિકાસ અધિકારી, કુતિયાણા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૧૦માં ધ્રુવાડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તથા અન્ય હોદેદારો દ્વારા મંડળીના સભ્યોની રકમ ખોટી રીતે અંગત ઉપયોગમાં વાપરી નાંખવામાં આવી હતી. આ સાથે તે સમયના તલાટી-કમ-મંત્રી સામે ઓછી જમીન હોવા છતાં વધુ જમીન દર્શાવી ખોટી લોન મંજૂર કરાવવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ફરિયાદી તેમજ હેન્ડરાઈટીંગ એક્સપર્ટની જુબાની લેવામાં આવી હતી. હેન્ડરાઈટીંગ એક્સપર્ટની ઉલટ તપાસ દરમિયાન એ વાત સ્વીકારવામાં આવી હતી કે ધ્રુવાડા સેવા સહકારી મંડળીમાં રજૂ કરાયેલા ૭/૧૨ અને ૮-અના દાખલાઓમાં આરોપી તલાટી મંત્રીની સહી હોવાની ચોક્કસ ઓળખ કરી શકાય તેમ નથી.
આ ઉપરાંત આરોપી પક્ષના એડવોકેટ શ્રી ભરતભાઈ લાખાણી દ્વારા કરાયેલ ઉલટ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે મંડળીના ઓડિટર શ્રી મશરૂ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં તલાટી મંત્રી સામે ફરિયાદ દાખલ કરવાની કોઈ ભલામણ કરવામાં આવેલી નથી. તે સમયે તમામ ૭/૧૨ના ઉતારા હસ્તલિખિત આપતા હોવાથી કોઈપણ વ્યક્તિ તેમાં આંકડાકીય ફેરફાર કરી શકે, જેમ કે એક હેક્ટર લખેલા સ્થળે એક “૦” ઉમેરી અગિયાર હેક્ટર દર્શાવી શકાય, અને આવી સ્થિતિમાં તલાટી મંત્રીની સીધી જવાબદારી ઠેરવી શકાય નહીં – તેવી દલીલ કરવામાં આવી હતી.
અંતિમ દલીલો દરમિયાન આરોપી પક્ષે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે તલાટી મંત્રીનો ધ્રુવાડા સેવા સહકારી મંડળી સાથે કોઈ સીધો વ્યવહાર કે સંડોવણી સાબિત થતી નથી તેમજ કોઈ ખોટો રેકોર્ડ કાઢી આપ્યાનો પુરાવો પણ ઉપલબ્ધ નથી. આ તમામ હકીકતો, દસ્તાવેજો અને સાક્ષીઓના આધારે અદાલતે આરોપી તલાટી મંત્રીને તમામ આરોપોમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં તલાટી મંત્રી વતી પોરબંદરના જાણીતા વકીલો દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી તથા ભાવના પારધીએ અસરકારક રીતે દલીલો રજૂ કરી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
