સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન–૨૦૨૬’ની બીજી આવૃત્તિ શરૂ કરવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પહેલનો મુખ્ય હેતુ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જનજાગૃતિ વધારવી, રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવી તથા સમુદાયની સક્રિય ભાગીદારી પ્રોત્સાહિત કરવાનો છે.
CISF કોસ્ટલ સાયક્લોથોનને તા.૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય દ્વારા વરિષ્ઠ અધિકારીઓ અને ગણમાન્ય મહાનુભાવોની હાજરીમાં વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ સાયક્લોથોન તા.૨૮ જાન્યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી અંદાજે ૨૫ દિવસ ચાલશે, જેમાં ૬,૫૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવશે. દરિયાકાંઠાના એકમોમાંથી ૧૦૦થી વધુ CISF કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેશે. સાયક્લોથોન ગુજરાતના લખપત કિલ્લા (ભુજ) થી શરૂ થઈ કેરળના કોચી ખાતે પૂર્ણ થશે.
ગુજરાત તબક્કાના ભાગરૂપે, સાયક્લોથોન તા.૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ તા.૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે રેલી માધવપુરથી રવાના થઈ માંગરોળ, ચોરવાડ અને સોમનાથ માર્ગે પસાર થઈ દીવ પહોંચશે.
છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી CISF દેશના મુખ્ય બંદરો તેમજ મહત્વપૂર્ણ દરિયાકાંઠાના માળખાગત ઢાંચાની સુરક્ષાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવતી આવી છે. પ્રથમ કોસ્ટલ સાયક્લોથોનની નોંધપાત્ર સફળતા બાદ, વર્ષ ૨૦૨૬ની આવૃત્તિ આ ઐતિહાસિક અભિયાનને નવા સંકલ્પ અને વધુ મજબૂત રાષ્ટ્રીય જોડાણ સાથે આગળ ધપાવી રહી છે.
ગુજરાતના પશ્ચિમ કિનારેથી શરૂ થતી આ સાયક્લોથોન ગુજરાત (દ્વારકા, જામનગર, પોરબંદર), મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળમાંથી પસાર થશે, જેમાં દ્વારકા, મુંબઈ, ગોવા, મેંગલુરુ અને કન્નુર જેવા મહત્વપૂર્ણ દરિયાકાંઠાના શહેરોનો સમાવેશ થાય છે.
દરરોજ લાંબા અંતરની સાયકલિંગને ધ્યાનમાં રાખીને રૂટમાં આરામના દિવસો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેથી સાયકલ સવારોની સહનશક્તિ જળવાઈ રહે અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી શકે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

