જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે આર્યકન્યા ગુરુકુળ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સેમિનાર અને જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપીને ભાવી નાગરિકોને જાગૃત કરવાનો હતો, જેથી સરકારી યોજનાઓના લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચી શકે. આ કાર્યક્રમમાં આર્યકન્યા ગુરુકુળના આચાર્યશ્રી, અધ્યાપકગણ અને ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીનીઓને POCSO એક્ટ, બાળલગ્ન અધીનિયમ, DVA અને POSH એક્ટ જેવા મહત્વના કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટરના રાજીબેન અને સુનેરાબેન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉસેલર ખુશ્બુબેન અને કોન્સ્ટેબલ સેજલબેન, તેમજ પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉસેલર તેજલબેન હાજર રહ્યા હતા. ઉપરાંત, “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન તરફથી ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે, હર્ષવીરભાઈ કારાવદરા (જેન્ડર સ્પેશિયાલિસ્ટ) અને સૌરભભાઈ મારુ (ફાઈનાન્સ લિટરેસી) એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને યોજનાકીય માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમનું “સંકલ્પ” ટીમ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને ડો. સંધ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ સંપન્ન થઈ હતી. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને જાગૃતિ અને પ્રોત્સાહન માટે BBBP લોગોવાળી બેગ અને IEC કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીનીઓને સમાજમાં લિંગભેદ નાબૂદ કરવા અને કાયદાના અસરકારક અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.
રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ

