પોરબંદર જિલ્લામાં શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ માટે આજે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિવિધ શાળાઓમાં નવા ઓરડાઓના નિર્માણ માટે કુલ રૂ. ૪.૯૪ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

દેગામ, તુંબડા, નવાપરા, જાવર અને કોલીખડા સ્થિત સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાસભર નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુગમ અને વિસ્તૃત શૈક્ષણિક માહોલ મળશે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને બજેટમાં સૌથી મોટો હિસ્સો શિક્ષણ માટે ફાળવે છે. પ્રાથમિક શિક્ષણ બાળકના જીવનનો મજબૂત પાયો હોવાથી તેમાં ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. આજકાલ સરકારી શાળાઓમાં લાયકાતપ્રાપ્ત અને અનુભવી શિક્ષકો, ડિજિટલ બોર્ડ તથા વિવિધ આધુનિક સગવડો સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો લક્ષ્મી’ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા વાલીઓએ વ્યસન અને અનાવશ્યક ખર્ચોથી દૂર રહી બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયાએ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ અને નીતિઓ અંગે માહિતી આપી હતી. શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સુવિધાસ ભર વર્ગખંડો અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે વાલીઓ પણ પોતાના બાળકોને શિક્ષણ અપાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરે તે દિશામાં આગળ વધવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેબિનેટ મંત્રીએ કોલીખડાની સેકેન્ડરી સ્કૂલના રિપેરિંગ
અને દેગામ પ્રાથમિક શાળા નવા ઓરડાનું ખાતમુહૂર્ત
દેગામ ખાતે અને તુંબડા સ્થિત શારદા વિદ્યામંદિરના નવા ઓરડાનું તુંબડા ખાતે કુલ રૂ. ૩૦૧.૪૪ લાખના ખર્ચે થનાર કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અને વિસ્તૃત શૈક્ષણિક માહોલ ઉપલબ્ધ થશે.
ત્યારબાદ ચિકાસ પ્રાથમિક શાળા, જાવર સેકન્ડરી સ્કૂલની રિપેરિંગ કામગીરી અને પોરબંદર છાયા વિસ્તારમાં આવેલી પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં નવા ઓરડાનું પોરબંદર ખાતેથી રૂ.૧૯૩.૧૦ લાખના ખર્ચે થનાર કામગીરી ખાતમુહૂર્ત પણ કેબિનેટ મંત્રીએ કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તથા અગ્રણી સર્વ હાથિયાભાઈ ખુટી, લીલાભાઈ પરમાર, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા, અજય બાપોદરા સહિતના આગેવાનો, સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

