ભરૂચથી જંબુસર તરફ જતા નેશનલ હાઈવે ૬૪ પર આવેલો આમોદ નગરમાં ૫૦૦ મીટરનો રસ્તો છેલ્લા પાંચ દિવસથી અકસ્માતોનું કેન્દ્ર બન્યો છે. આ ખાડાવાળા રસ્તાની અવગણના કરવા બદલ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પાંચમા દિવસે પણ આમોદથી જંબુસર જઈ રહેલી એક પેસેન્જર બસ ખાડામાં ખાબકી હતી, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને કાદવ-કીચડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી બસને બહાર ખેંચી કાઢવામાં આવી હતી.
આ પહેલા પણ આ રસ્તા પર ટ્રક, બે ફોર-વ્હીલર અને એક બીટ ગાડી પલટી મારી ચૂકી છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા, ભુવા, ખુલ્લી ગટરો અને ઉડતા મેટલને કારણે વાહનચાલકો અને મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. ધૂળની ડમરીઓ અને કાદવ-કીચડને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
સ્થાનિક મીડિયા દ્વારા વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં, તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, જે સ્પષ્ટપણે તેની બેદરકારી દર્શાવે છે. લોકોનો પ્રશ્ન છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે?
આમોદના નાગરિકો અને મુસાફરોએ સત્તાવાળાઓને તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરાવવા અપીલ કરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. જો આ બાબતે ઝડપથી પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા છે.


