નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે. ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે. ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે, પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે.
આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સહકારી ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી હતી. સાથે અત્યાર સુધી દૂધમંડળીના સભાસદોને મંડળી મારફત દૂધનું વળતર આપવામાં આવતુ હતું તેમાં સુધારો કરી હવે સભાસદોના બેન્ક ખાતામાં સીધા જ નાણાં જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમ પૂર્વે મંત્રી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા કલેકટર એસ.કે.મોદી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત સ્થાનિક પદાધિકારીઓએ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



