પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) વર્તુળ કચેરી પોરબંદર દ્વારા ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અંગે માહિતગાર કરવા માટે ઓડદર ગામે શેરી નાટક દ્વારા લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયની ‘પીએમ સૂર્યઘર યોજના’ અંતર્ગત શરૂ કરાયેલી આ સ્પર્ધામાં નિયત વસ્તી ધરાવતા ગામોમાં સોલાર રૂફટોપ સ્થાપનાને પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક જિલ્લામાં સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતા ગામને ‘મોડેલ સોલાર વિલેજ’ જાહેર કરવામાં આવશે અને તેમને ₹1 કરોડની સબસિડી આપવામાં આવશે.
આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના પણ કેટલાક ગામો જોડાયા છે જે અંતર્ગત ટાસ્ક ફોર્સ, ડોર-ટુ-ડોર પ્રચાર અને વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને સોલાર રૂફટોપ લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતે પહેલેથી જ 5000 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે સોલાર રૂફટોપ ક્ષેત્રે દેશનું નેતૃત્વ હાંસલ કર્યું છે. ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા દ્વારા હવે ગામડાંઓમાં પણ ગ્રીન એનર્જીનો વ્યાપ વધશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


