ભારત જન વિજ્ઞાન જાથા (BJVJ) દ્વારા આગામી ગણેશ મહોત્સવ અને નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં “ચમત્કારોથી ચેતો” શીર્ષક હેઠળ અંધશ્રદ્ધા નિવારણ અને વૈજ્ઞાનિક અભિગમ માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી દેશમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે કાર્યરત જાથા, આ મહોત્સવોમાં લોકજાગૃતિ ફેલાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
જાથાએ અત્યાર સુધીમાં ૧૦,૦૬૩થી વધુ સ્ટેજ કાર્યક્રમો યોજીને અને ૧,૨૭૪ ઢોંગીઓનો પર્દાફાશ કરીને નોંધપાત્ર કામગીરી કરી છે. આ સંસ્થાએ ૩,૫૦૦થી વધુ ભૂવા, ફકીરો અને ઢોંગીઓને તેમની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં સફળતા મેળવી છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં દોરા-ધાગા, નજરબંધી, મેલીવિદ્યા અને અન્ય અંધશ્રદ્ધાઓથી થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવવાનો છે.
આ ત્રણ કલાકના સ્ટેજ કાર્યક્રમમાં જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાનું જ્ઞાનલક્ષી વક્તવ્ય મુખ્ય આકર્ષણ રહેશે. તેઓ ભૂત, પ્રેત, ડાકણ, અને અન્ય વહેમનો વૈજ્ઞાનિક રીતે ભાંડો ફોડશે. સાથે જ, વાસ્તુશાસ્ત્ર અને ફળકથનો જેવી અંધશ્રદ્ધાઓ કેટલી નિરાધાર છે તે સમજાવશે. કાર્યક્રમ દરમિયાન જાથાની ટીમ દ્વારા હાથમાંથી કંકુ-ભસ્મ કાઢવી, બેડી તોડવી, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી પૂરી તળવી જેવી નજરબંધીના પ્રયોગોનું નિદર્શન કરી અને તે કેવી રીતે કરવામાં આવે છે તે સ્થળ પર જ શીખવવામાં આવશે.
જાથા દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લામાં, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, પાલનપુર, મહેસાણા, પાટણ, વગેરેનો સમાવેશ થાય છે, કાર્યક્રમો યોજવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવક મંડળો અને અન્ય સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે. જે સંસ્થાઓ આ કાર્યક્રમનું આયોજન કરવા ઇચ્છતી હોય તેમણે વહેલાસર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આયોજનનો ખર્ચ જેમ કે વાહનનું ભાડું, રહેવા, જમવા અને કેમિકલનો ખર્ચ સંસ્થાએ ઉઠાવવાનો રહેશે.
વધુ માહિતી માટે અથવા કાર્યક્રમનું આયોજન કરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો:
મોબાઈલ નંબર: ૯૮૨૫૨ ૧૬૬૮૯ અને ૯૪૨૬૯ ૮૦૯૫૫
ઈ-મેલ: bjvjoffice@gmail.com
જાથાનો ધ્યેય લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો છે અને તે ક્યારેય ભગવાન કે ધાર્મિક લાગણીઓનો વિરોધ કરતું નથી.


