PUNJAB : સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ

0
53
meetarticle

ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પોક્સો અને પર્સનલ લો વચ્ચેના ટકરાવને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ૧૮ વર્ષથી ઓછી વયની સગીરા સાથે લગ્ન બાદ પણ બાંધેલા શારીરિક સંબંધ પોક્સો કાયદા મુજબ બળાત્કાર જ ગણવામાં આવશે. એક મુસ્લિમ સગીરાની સુરક્ષાની માગ કરતી અરજીની સુનાવણી પર આ સ્પષ્ટતા કરાઇ હતી. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે પર્સનલ લો ક્યારેય વિશેષ કાયદાથી મોટો ના ગણી શકાય.હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક કે વ્યક્તિગત કાયદાની માન્યતા જે હોય તે, સગીરાની સંમતિ હોય કે ના હોય, પરિણીત હોય તો પણ જો તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને પોક્સો કાયદા હેઠળ બળાત્કાર ગણવામાં આવે છે.

પંજાબના હોશિયારપુરની ૧૭ વર્ષીય મુસ્લિમ સગીરા અને તેના પતિએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરી દીધા હતા. બાદમાં પરિવારથી ખતરો હોવાનો દાવો કરીને હાઇકોર્ટ પાસે સુરક્ષાની માગણી કરી હતી.અરજદાર સગીરાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મારા માતા-પિતાથી અમને ખતરો છે, મુસ્લિમ પર્સનલ લો મુજબ એક યુવતીને યુવાની બાદ નિકાહ કરવાનો અધિકાર છે જે માટેની વય મર્યાદા ૧૫ વર્ષ આસપાસ માનવામાં આવે છે. બાદમાં ન્યાયાધીશ સુભાષ મેહતાની બેંચે આ દલીલોને ફગાવી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ મામલામાં ત્રણ કાયદાઓને અસર થઇ રહી છે જેમાં પર્સનલ લો, બાળ લગ્ન નાબુદી કાયદો અને પોક્સો કાયદો. વિશેષ કાયદાઓની વચ્ચે પર્સનલ લો ના આવી શકે.

માટે સગીરાની સાથે નિકાહ કે લગ્ન કરી લીધા બાદ પણ બંધાયેલા શારીરિક સંબંધ કાયદા મુજબ બળાત્કાર જ ગણાય. હાલ આ મામલો હાઇકોર્ટે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યો છે અને તપાસ કરવા કહ્યું છે. હવે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. સાથે જ કપલને સુરક્ષા પુરી પાડવા પણ પોલીસને આદેશ કર્યો છે.

કેરળ હાઇકોર્ટે મુસ્લિમ પુરુષના બે નિકાહના મામલાને લઇને મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે કેરળ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ (કોમન) રૂલ્સ ૨૦૦૮ મુજબ જો કોઇ મુસ્લિમ પુરુષ બીજા નિકાહનું રજિસ્ટ્રેશન કરાવે તો આમ કરતા પહેલા પ્રથમ પત્નીની વાત સાંભળવી ફરજિયાત છે. મુસ્લિમ પુરુષ અને તેની બીજી પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે અમારી અરજી છતા અમારા નિકાહની નોંધણી નથી કરાઇ રહી. હાલ હાઇકોર્ટે આ અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે મામલામાં પ્રથમ પત્નીનો પક્ષ પણ સાંભળવામાં આવે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here