ગતરોજ યોજાયેલી વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભા સમાપ્ત થયા બાદ તાલુકાના વહીવટની વાસ્તવિકતા છતી થઈ છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલે એક વીડિયોના માધ્યમથી તાલુકા પંચાયતની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને સત્તાધીશોની ઉંઘ ઉડાડી દીધી છે. જાહેર હિતના અનેક મુદ્દાઓ પર તાલુકા પંચાયતની નિષ્ફળતા પર તેમણે સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે. તાલુકા પંચાયતની નિષ્ફળતાનો નગ્ન ચહેરો ઈમ્તિયાઝ પટેલે તેમના વિડીયોમાં જે મુદ્દાઓ પર તીખા પ્રહારો કર્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલુકાની પ્રજા પાયાની સુવિધાઓ માટે પણ તરસી રહી છે. તેમના મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે.
1) તાલુકા કક્ષાએ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
2) મહિલાઓ અને દીકરીઓની ગરિમા જાળવવા માટે જાહેરમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.
3) વાગરાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળે છે.
4) આધેડ વયના વ્યક્તિઓ માટે આરામ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે.
5) તાલુકામાં આધુનિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર અસફળ રહ્યું છે.
ઈમ્તિયાઝ પટેલના આ ગંભીર અને સચોટ આક્ષેપો બાદ વાગરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે, જો સત્તાધીશો આટલી પાયાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. તો તેઓ કયા વિકાસના દાવાઓ કરે છે? શું આ આક્ષેપો બાદ સત્તાધીશો માત્ર મૌન ધારણ કરશે કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં ભરશે? આ પ્રશ્નોનો જવાબ હવે વાગરા તાલુકાના લોકો માંગી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, જે મુદ્દાઓ ઈમ્તિયાઝ પટેલે ઉઠાવ્યા છે, તે વાગરા તાલુકાની પ્રજાની વાસ્તવિકતા દર્શાવે છે. જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થાનો અભાવ, મહિલાઓ માટે શૌચાલયની અછત, ગામડાઓમાં જોવા મળતી ગંદકી, અને વૃદ્ધો માટે વિસામાની વ્યવસ્થા ન હોવી જેવી પાયાની જરૂરિયાતોની અછત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મુદ્દાઓ માત્ર આક્ષેપ નથી, પરંતુ તાલુકાની પ્રજા રોજબરોજ જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનું પ્રતિબિંબ છે. આ મુદ્દાઓ દર્શાવે છે કે, તાલુકા પંચાયત દ્વારા જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં અને પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળતા જોવા મળી છે. હકીકતમાં, સત્તાધીશોએ રાજકારણથી ઉપર ઉઠીને માત્ર પ્રજા હિત માટે કામ કરવું જોઈએ. તાલુકા પંચાયતનું મુખ્ય કાર્ય પ્રજાને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું અને તેમના જીવનધોરણને સુધારવાનું છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાને બદલે, સત્તાધીશોએ ઈમ્તિયાઝ પટેલે ઉઠાવેલા મુદ્દાઓને ગંભીરતાથી લેવા જોઈએ અને તેના નિવારણ માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. આખરે, પ્રજાએ તેમને ચૂંટીને સત્તા સોંપી છે, અને તેમની જવાબદારી છે કે તેઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને વાસ્તવિક કામગીરી કરી બતાવે.
REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા


