જરાતમાં શ્રાવણ માસમાં છૂટાછવાયા સરવડાંને બાદ કરતા એંકદરે ચોમાસુ નબળુ પડ્યું છે ત્યારે રાજ્યમાં 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ આજ સુધીનો વરસાદ ઓછો રહ્યો છે. આ સ્થિતિમાં ખાસ વરસાદ પર આધારિત ખેતી ધરાવતા સૌરાષ્ટ્રમાં 36.20 લાખ એટલે કે આશરે 99 ટકા વાવેતર થઈ ગયું છે તેને પિયત માટે પાણી આપવા ખેડૂતોમાં માંગ ઉઠી છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં નર્મદાનીર આપવા સાથે 10 કલાક વિજળી આપવાની જાહેરાતનો અમલ જરૂરી
હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં તો આજ સુધીમાં નોર્મલ 24.50 ઈંચ વરસાદ વરસતો હોય તે સામે માત્ર 14 ઈંચ એટલે કે 43 ટકા ઓછો વરસાદ થયો છે. ખેતીવાડી પર નિર્ભર અમરેલી જિલ્લામાં નોર્મલ 14.50 ઈંચ વરસાદ સામે 12 ઈંચથી ઓછો એટલે કે 20 ટકાની ઘટ છે. ઉપરાંત જુનાગઢ,મોરબી, રાજકોટ જિલ્લામાં પણ વરસાદ ખાધમાં ફેરવાયો છે. બાકીના ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, દમણ, ડાંગ, ગાંધીનગર, નવસારી, પાટણ, વડોદરા જિલ્લામાં પણ વરસાદની ખાધ છે.
આમ, ચોમાસાના આરંભે ધોધમાર વરસાદથી રાજ્યમાં 70.47 લાખ હેક્ટરમાં વાવણી તો થઈ ગઈ પરંતુ, ત્યારબાદ પ્રાકૃતિક પિયત તરીકે જે જરૂરી હતો તે વરસાદ અનેક વિસ્તારોમાં થયો નથી અને તે ઉપરાંત હાલ વરસાદ આવે તેવી કોઈ સીસ્ટમ પણ સક્રિય નથી. આજે રાજ્યમાં જામનગર સહિત માત્ર પાંચ તાલુકામાં હળવા ઝાપટાં સિવાય 245 તાલુકા કોરા રહ્યા હતા. રાજકોટમાં તો તડકો શરુ થયો હતો અને તાપમાન પણ 35 સે.એ પહોંચી ગયું છે.


