રાજસ્થાનના અલવર જિલ્લાના માલિયાર જટ્ટ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં અચાનક લાગેલી આગમાં એક ખેડૂતનો આખો પરિવાર મોટી દુર્ઘટનામાંથી બચી ગયો હતો, પરંતુ ખેડૂતે સરિસ્કા વિસ્થાપન પેટે મળેલા 10 લાખ રૂપિયા રોકડા સહિત ઘરનો તમામ સામાન ગુમાવી દીધો હતો.
સરિસ્કા ટાઇગર રિઝર્વમાંથી વિસ્થાપિત થયેલા 40 વર્ષીય ખેડૂત બનવારી નાથની માટીની ઝૂંપડીમાં અચાનક આગ લાગી હતી. ઘટના સમયે બનવારી નાથ આંગણામાં સૂતા હતા, જ્યારે તેમની પત્ની, પુત્રવધૂ અને નાના બાળકો ઝૂંપડીમાં હતા. બાળકોની ચીસો સાંભળીને બનવારી નાથ તરત જ જાગી ગયા અને સમગ્ર પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સૌથી મોટું નુકસાન રોકડ રકમનું થયું હતું. સરકારે બનવારી નાથને વિસ્થાપન સમયે વળતર તરીકે આપેલા 10 લાખ રૂપિયા રોકડા ઘરમાં રાખ્યા હતા, જે આગમાં બળીને રાખ થઈ ગયા હતા. જે પૈસાથી તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આશા રાખતા હતા તે થોડીવારમાં જ નાશ પામ્યા.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે, ‘બનવારી નાથનો પરિવાર સરિસ્કા ટાઇગર રિઝર્વ વિસ્તારમાંથી વિસ્થાપિત થયેલા આશરે 100 પરિવારોમાંથી એક છે. આ ઘટના બાદ આ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર છે.’
આગની જાણ થતાં જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. તિજારાના એસડીએમ સંજીવ કુમારે જણાવ્યું કે, ‘આગના સમાચાર મળતા જ તહસીલદાર અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી સહાય મળી શકે.’ એસડીએમએ એ પણ ખાતરી આપી કે નિયમ મુજબ બળી ગયેલી નોટોની બદલી કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. તેમણે સ્થાનિક રહેવાસીઓને અસરગ્રસ્ત પરિવારને આર્થિક મદદ કરવા પણ અપીલ કરી છે.

