‘મન હોય તો માળવે જવાય’ કહેવતને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામની દીકરી હિમાલી ચોવટિયાએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પરંપરાગત માન્યતાઓને પડકારીને તેણે ગાયનાં છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી આત્મનિર્ભરતા તરફ એક પ્રેરણાદાયી કદમ માંડયું છે.

ઝરખિયા ગામના હિમાલી ભરતભાઈ ચોવટિયાએ અભ્યાસ અને ઘરકામની જવાબદારી સાથે વધારાના સમયનો સદુપયોગ કરીને તેમની માતા સાથે ગાયના છાણમાંથી પ્રાકૃતિક દીવડા, ધૂપબતી, અડાયા, સુશોભિત કિચન ડેકોર અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ બનાવી ઓનલાઈન અને ઓફલાઈન તેનું વેચાણ કરી મહિને 15- 17,000ની કમાણી કરતાં થયા છે.
તેમનાં મુખ્ય ઉદ્દેશ માત્ર આવક મેળવવાનો નથી પરંતુ પર્યાવરણમિત્ર વસ્તુઓનો પ્રચાર પ્રસાર કરવાનો છે. હિમાલીબેનનો આ પ્રયાસ સરકારની સીધી સહાય વિના આત્મનિર્ભરતા તરફનું પ્રેરણાદાયી કદમ છે. ઈચ્છાશક્તિ અને હિંમત હોય તો સંસાધનોની કમી કયારે આડે આવતી નથી અને ગાયનું છાણ પણ આર્થિક સમૃધ્ધિનું માધ્યમ બની શકે છે.

