ખંભાળિયાના પાદરમાં રાજકોટથી કલ્યાણપુરના ગઢકા ગામે જઈ રહેલી એક ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. કાર આડે કોઈ પશુ ઉતરવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા(ઉ.વ. 25) તેના પિતરાઈ ભાઈ પ્રીતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 18, રહે. ગઢકા) સાથે ગઈકાલે રાજકોટ ખાતે કામસર ગયા હતા. જ્યાંથી તેઓપોતાના ગઢકા ગામે પરત ફરી રહ્યા હતા. ત્યારે ખંભાળિયા નજીક પહોંચતા હાઈ-વે પર કાર આ માર્ગ પરના એક ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેના કારણે આ કારમાં જઈ રહેલા પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજાઅને તેના પિતરાઈ ભાઈ પ્રીતરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
વધુમાં જાણવા ચર્ચાતી વિગત મુજબ ઉપરોક્ત બંને યુવાનો તેમની ઇનોવા કારમાં ખંભાળિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે સીએનજી પંપ નજીક પહોંચતા તેમની કાર આડે પશુ ઉતર્યું હતું. જેના કારણે આ કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થવા પામતી હતી. જે બંને યુવાનો માટે જીવલેણ નીવડી હતી. આ અકસ્માતમાં ઈનોવા કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. પોલીસે એફ.એસ.એલ.ની તપાસ તેમજ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરાવી હતી.

