રાજકોટના અર્ધી સદી પહેલાના સમયથી સરકારી અને મનપાની જમીન તેમજ આજી નદીના પટમાં પણ ખડકાઈ ગયેલા જંગલેશ્વર, એકતા કોલોની વિસ્તારમાં ગત ચાર દિવસથી મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી બાદ આજે વહેલી સવારથી મહાપાલિકાના 68 જે.સી.બી., 7 હિટાચી અને કટર,બ્રેકર સહિત 300 જેટલા સાધનો-વાહનો સાથે શહેરના ઈતિહાસનું સૌથી મોટુ અને સંવેદનશીલ એરિયામાં ડિમોલીશન હાથ ધરાયું હતું. આજે સાંજ સુધીમાં 1119 મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા છે અને આવતીકાલે બાકીના 370 કે જેમાં ઘણા બે-ત્રણ માળના મીની બંગલાઓ પણ છે તેને તોડવાની કાર્યવાહી હાથ ધરાશે અને કૂલ 1489 મકાનો તોડી પડાશે. 11100 મનપા સ્ટાફ તથા 2500 પોલીસ સ્ટાફ સહિત કૂલ 3600 થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા.

મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે આ ડિમોલીશનથી આજી નદીના પટ કે જ્યાં અગાઉ પૂરના પાણી ફરી વળતા તે પટની 55,000 ચો.મી. જમીન પરના 992 ગેરકાયદે મકાનો કે જેમને અગાઉ માલિકીના પુરાવા આપવા તક આપી સુનાવણી કરાઈ હતી તે તથા આ વિસ્તારમાંથી 50 ફૂટ (15 મીટર)ના ટી.પી.રોડ પર ખડકાયેલા 497 ગેરકાયદે મકાનો સહિત કૂલ 1489 મકાનો આવતીકાલ સુધીમાં સંપૂર્ણ ડિમોલીશ કરાશે. તેના કાટમાળ હટાવવાની કામગીરી થોડા દિવસો સુધી ચાલશે પરંતુ, આ ડિમોલીશન પૂરૂં થતાની સાથે ત્યાં ટૂંક સમયમાં જ 15 મીટર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમજ જી.આઈ.ડી.સી. પાસે બ્રિજનું કામ પણ શરૂ કરાશે. ઉપરાંત નદીના પટમાં પણ ફરી દબાણ ન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત, સર્વેલન્સ સતત રખાશે.
મનપાના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસથી આ વિસ્તારના લોકોને મકાનો ખાલી કરવા સમજાવવાની પ્રક્રિયા ચાલી હતી અને ગત રાત્રિ સુધીમાં જ 1100થી વધુ મકાનો સંપૂર્ણ ખાલી કરી દેવાયા હતા. આશ્ચર્યજનક રીતે આ મકાનોમાંથી બાથરૂમના ફીટીંગ, બારસાખ સહિત લાકડાથી માંડીને ફોલ સીલીંગ પણ તોડીને ઉપયોગી સામાન ટૂંકા સમયમાં જ લઈ જવાયો હતો. જંગલેશ્વર વિસ્તારમાં જે.સી.બી. કે કાર ન જઈ શકે તેવી અનેક સાંકડી ગીચ શેરીઓ છે તથા આજે ડિમોલીશન થયું તે 1489 મકાનોની 87,000 ચો.મી. જમીન ઉપર ટી.પી.ના જુના અનુભવી અધિકારીઓને બોલાવીને માર્કિંગ કરવામાં આવ્યું હતું જેથી તેને અડીને આવેલા સ્ટે.વાળા મકાનોને નુક્શાન થાય નહીં. આ સાથે વર્ગ-4ના કર્મચારીથી માંડીને ડે.કમિ. અને કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીએ અને પી.જી.વી.સી.એલ. સહિત સ્ટાફ ક્યાં શુ ફરજ બજાવવાની તેનું માઈક્રો પ્લાનીંગ કરાયું હતું. જેના પગલે શાંતિપૂર્ણ અને ઝડપી ડિમોલીશન થયાનું તંત્રએ જણાવ્યું હતું. સમગ્ર કામગીરીની કોઠારીયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુ.હોલ ખાતેથી તથા દબાણગ્રસ્ત વિસ્તાર વચ્ચેની મ્યુનિ.શાળા નં. 70 ખાતેથી મ્યુનિ.કમિ. ઉપરાંત જોઈન્ટ સી.પી., ડી.સી.પી.(ક્રાઈમ) જગદીશ બાંગરવા, ડે.મ્યુનિ.કમિશનરો – અધિકારીઓ દ્વારા મોનીટરીંગ કરાયું હતું અને પોલીસ-મનપા સ્ટાફના 2200 કર્મચારીઓ માટે સ્થળ પર જમવા સહિત વ્યવસ્થા રખાઈ હતી. જંગલેશ્વર વિસ્તાર વર્ષોથી વીજતંત્ર માટે માથાના દુઃખાવા રૂપ હતો. આજે જેટલા રહેણાંક મકાનોના દબાણો હટાવવામાં આવ્યા હતા તે તમામનાં વીજ મીટરો સર્વિસ વાયર સાથે ઉતારી લેવામાં આવ્યા હતા. કોઠારિયા રોડ સબ ડીવીઝન હેઠળ આવતા કુલ 10 ફીડરમા સૌથી વધુ ટી એન્ડ ડી લોસ 62 ટકા એક માત્ર જંગલેશ્વર ફીડરનો હોવાનું વીજતંત્રના સુત્રોએ જણાવ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્રમાં પાવર ચોરી સૌથી વધુ જંગલેશ્વર ફીડરમાં થતી હોવાના વિધાન સાથે વીજતંત્રના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે કોઠારિયા રોડ સબ ડીવીઝન હેઠળ નવદુર્ગા ફીડર, સપના ફીડર, રામેશ્વર, શ્રદ્ધા, નંદા હોલ, મોરારી અને કેદારનાથ ઉપરાંત જંગલેશ્વર ફીડર આવેલા છે. જેમાં અન્ય ફીડરમાં 8 થી 10 ટકા જેટલો લાઇનલોસ જોવા મળતો હતો જ્યારે જંગલેશ્વર ફીડરમાં આજ સુધી 60 થી 62 ટકા લાઇનલોસ રહેતો હતો. આ ફીડર હેઠળના રહેણાંક વિસ્તારોમાં અત્યાસુધી સીધા વીજ તારમાં લંગરિયા નાખી પાવર ચોરી કરવામાં આવતી હતી. ત્યારબાદ લોકોને સમજાવી પાવર ચોરીએ ગુનો છે. પોલીસ ફરિયાદો કર્યા બાદ નવા વીજ મીટર ફીટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પાવર ચોરી અટકી નહોતી. છેવટે આજે ડિમોલિશન દરમિયાન બપોર સુધીમાં 540 વીજ મીટર સર્વિસ વાયર સાથે ઉતારી લેવામાં આવ્યા હતા. આ ફીડર હેઠળના ગ્રાહકો પાસેથી રૂા. 10 થી 15લાખના વીજ બિલ બાકી હોવા છતાં દિવસ દરમિયાન 760 ઘરોના વીજ જોડાણો કાપી સર્વિસ વાયર સાથે ઉતારી લેવામાં આવ્યા હતા.
અલબત્ત બાકી બિલની વસુલાત કેવી રીતે થશે ? તે પ્રશ્નનો કોઇ જવાબ નહીં હોવા છતાં હવે કાયમી ધોરણે પાવર ચોરી નહીં થાય તેમ કહીં વીજતંત્રે સંતોષ માન્યો હતો. આવતીકાલ તા. 24ના પણ વીજ જોડાણ કાપવાની ઝુંબેશ યથાવત રહેશે. શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી મેઇન્ટેનન્સની ટીમોને વીજતંત્રે આજે જંગલેશ્વર વિસ્તારમાં ઉતારી દીધી હતી. મોડી સાંજ સુધી વીજ જોડાણો કાપવાની કામગીરી ચાલતી રહી હતી. મોટા ભાગના રહેણાંક મકાનોમાંથી વીજ મીટર ઉતારવામાં આવ્યા હતા. દબાણો દુર કરવામાં આવનાર છે તેમ જાણ થતા સમગ્ર વિસ્તારમાંથી લોકોએ લંગરિયા ઉતારી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

