રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર ગઈ કાલે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી કાર ડિવાઈડર સાથે અથડાતા તેના બે ટુકડા થઈ ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં જૂનાગઢનો મહાશિવરાત્રિ મેળો માણી પરત ફરતા જેતપુરના એક યુવતી સહિત ૩ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૧ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢથી જેતપુર તરફ આવી રહેલી સફેદ સ્કોડા (જીજે ૦૩ ઈ.આર ૯૩૫૧) કારમાં ૩ યુવકો અને ૧ યુવતી સવાર હતા. વહેલી સવારે જેતલસર રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી પ્રચંડ ગતિએ ડિવાઈડર સાથે અથડાઈ હતી કે તેના બે ભાગ થઈ ગયા હતા અને કારના સ્પેરપાર્ટ્સ રોડ પર દૂર સુધી વિખેરાઈ ગયા હતા.

જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવયું હતું કે, વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેતલસરનો જે ઓવરબ્રિજ છે, તેની ખાલી સાઈડની દીવાલ સાથે અથડાઈને એક સ્કોડા ગાડી (સફેદ કલરની, જીજે ૦૩ ઈ.આર ૯૩૫૧) જૂનાગઢ મેળામાંથી જેતપુર તરફ આવતા અકસ્માત સર્જાયો છે. પોલીસ તપાસ મુજબ આ ગાડીમાં કુલ 4 (ચાર) લોકો સવાર હતા. જેમાંથી ઘટનાસ્થળે જ નીચે મુજબના બે વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં અરુણ પ્રફુલ્લભાઈ વાળા અને મુસ્કાનબેન હરેશભાઈ બગડાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ જે ગંભીર હતા. જયદીપ કિશોરભાઈ ચૌહાણ, અમીષ ચનાભાઈ પરમાર તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ, જયદીપ કિશોરભાઈ ચૌહાણનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આમ, આ અકસ્માતમાં અત્યાર સુધી કુલ 3 (ત્રણ) લોકોના મોત થયા છે.
પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળની વિઝિટના આધારે કહી શકાય કે ગાડીની સ્પીડ વધારે (ઓવરસ્પીડ) હોઈ શકે. ગાડી સીધી બ્રિજની દીવાલ સાથે અથડાઈ છે, અન્ય કોઈ વાહન સાથે તેનો અકસ્માત થયો નથી. એટલે ઓવરસ્પીડના કારણે જ આ એક્સિડન્ટ થયો હોય તેવું હાલ માની શકાય. હાલ તો 4 લોકો હોવાની માહિતી મળી છે, તેમ છતાં અન્ય કોઈ વ્યક્તિ હોય અને ઘટનાસ્થળ પરથી નીકળી ગયા હોય તો તે અંગેની તપાસ ચાલુ છે. કાર કોણ ચલાવતું હતું તે અંગેની પ્રાથમિક માહિતી મેળવવાની હજુ બાકી છે.
અકસ્માત એટલો ભીષણ હતો કે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા.
મૃતક: મુસ્કાન બગડા અને અરુણ વાળા (ઘટનાસ્થળે મોત)
મૃતક: જયદીપ ચૌહાણ પૈકી એક (સારવાર દરમિયાન મોત)
ઈજાગ્રસ્ત: અમિત પરમાર નામના યુવકની હાલત નાજુક
મૃતક અરૂણ પ્રફુલ્લભાઈ વાળા (ઉ.વ. 22) રહે. રાજકોટ-પોરબંદર હાઇવે પર જેતપુર શહેરમાં દાસીજીવણ પરા, કેનાલ કાંઠે, મજૂરી કામ કરતા, પરિવારમાં માતા-પિતા, મોટા બહેન છે. તે પરિવારનો એકનો એક દીકરો હતો.
મૃતક મુસ્કાનબેન હરેશભાઈ બગડા, જે જેતપુર ખાનગી હોસ્પિટલ કામ કરતી હતી અને જામકંડોરણાના રાયડી ગામે રહેતી હતી.
મૃતક જયદીપ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ. 22 આશરે) જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જે ધોરાજી પાસે છાડાવાવદર ગામનો અને હાલ રહે જેતપુરમાં ધોરાજી રોડ પર જલારામ-3માં મજૂરી કામ કરતો હતો, માતા-પિતા અને એક નાની બહેન છે. તે પરિવારનો એકનો એક દીકરો હતો.
અમિત ચનાભાઈ પરમાર (ઉ.વ. 22) હાલ જૂનાગઢ સારવારમાં છે, તે મજૂરી કામ કરે છે, પરિવારમાં માતા-પિતા, ત્રણ ભાઈઓમાં તે ત્રીજા નંબરનો છે અને જેતપુરમાં દાસીજીવણપરામાં રહે છે.
અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ક્રેન દ્વારા કારના અવશેષો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

