જેતપુર તાલુકાના ડેડરવા ગામે છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે આખા ગામમાં ભયનો માહોલ છવાયો છે. મળતા અહેવાલ અનુસાર, હડકવાં શ્વાને એક જ દિવસમાં આ શ્વાને બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ડેડરવા ગામે શ્વાન હડકાયું થયું છે. અહીં શ્વાને એક જ દિવસમાં 15થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં એન્ટી-રેબીઝની સારવાર લઈ રહ્યા છે. ઘટનાને પગલે ગ્રામજનો હાલ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સ્થાનિકોનો આરોપ છે કે, આ બાબતે નગરપાલિકાને અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં, શ્વાનને પકડવા કે તેનું રસીકરણ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક હડકાયા શ્વાનને પકડવા અને શ્વાનનું રસીકરણ કરવાની માંગણી કરી છે, જેથી તેમને આ આતંકમાંથી મુક્તિ મળી શકે અને કોઈ ગંભીર જાનહાનિ ન થાય.

