ભગવતીપરામાં રહેતો સમીર સોરા (ઉ.વ.ર૭) અને તેનો મિત્ર સિકંદર રાઉમા રિક્ષામાં જતાં હતા ત્યારે આઝમ ચોકમાં બંને ઉપર ધોકા-પાઈપ વડે હુમલો કરી, રિક્ષામાં તોડફોડ કરી, ભય ફેલાવનાર દસ આરોપીઓને બી-ડિવીઝન પોલીસે ઝડપી લઈ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે આરોપીઓએ સ્વેચ્છાએ જ હાથ જોડી લોકોની માફી માંગી હતી ! આ કેસમાં બી-ડિવીઝન પોલીસે જે દસ આરોપીઓની ધરપકડ કરી હતી તેમાં ગૌરાંગગીરી ઉર્ફે ગવલો ગોસ્વામી, જાવીદ ઉર્ફે જાવલો સોઢા, ઉમેશ વિંઝવાડીયા, મીહીર વાઘેલા, આશીષ વાઘેલા, શૈલેષ ઉર્ફે ગાંડો ડાભી, સંજય સારલા, ઋત્વિક ઉર્ફે ખાન ડાભી, કિશન ડાભી અને બાદલ માનસુરીયાનો સમાવેશ થાય છે.બી-ડિવીઝન પોલીસે આરોપીઓ સામે ખૂનની કોશિષ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી જાઉલો અને ગવલો મુખ્યત્વે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યાર સુધી શરીર સંબંધી ગુનાના આરોપીઓ પ્રત્યે પોલીસ ઢીલી નીતિ અપનાવતી હતી. પરંતુ મંગળા રોડ પરના ફાયરિંગને કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડતાં હવે પોલીસે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.

