રાજકોટ મહાપાલિકા અને શહેર સંગઠનના કાર્યક્રમોમાં સત્તાધારીઓ દ્વારા હાંસિયામાં ધકેલી દેવાયેલા નેતાઓને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને પક્ષના સંગઠનમાં કુશળ અમિત શાહે નામજોગ નોતરાં આપીને ખાસ સર્કિટહાઉસ બોલાવ્યા હતા અને અન્ય નેતાઓને મેસેજ આપ્યો હતો. તો બીજી તરફ, સંમેલનમાં જયેશ રાદડીયાની મુક્તકંઠે પ્રશંસા કરીને સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી અને પાટીદાર નેતા તરીકે તેમનું પ્રોજેક્શન ખાસ કરીને કેબીનેટ,સંગઠનની પુનઃ રચના પૂર્વે જોવા મળ્યું હતું અને રાજકીય વર્તુળોમાં તેમને મોટી જવાબદારી મળવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી.પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી,ગોવિંદ પટેલ,કશ્યપ શુક્લ, ધનસુખ ભંડેરી તથા મનપામાં જેમને પક્ષના જ નેતાઓએ છબી ખરડાવા પ્રયાસ કર્યાનો વિવાદ સર્જાયો તે શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ સહિત નેતાઓને સર્કિટહાઉસમાં તેઓ મળ્યા હતા. મહાપાલિકાની ચૂંટણી નજીક છે તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી આજે શહેરમાં પધાર્યા બાદ તુરંત શહેર ભાજપ પ્રમુખને આ નેતાઓને સૂચના આપીને નામજોગ બોલાવાયા હતા.

સ્વદેશી પર ભાર આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે અમિત શાહે આજે ભાજપના નેતાઓને પહેલા તેઓ જાતે જ સ્વદેશી વસ્તુઓ અપનાવીને શરૂઆત કરે જેથી લોકો તેમના પગલે ચાલે તેવી શિખામણ આપી હતી. તેમજ જી.એસ.ટી.માં ઘટાડાનો લાભ મધ્યમવર્ગ,ગરીબ વર્ગને થવાનો છે તે વાત તેમણે કરી હતી.

