રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોકમાં આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૪૦૪માં રહેતા અને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં નિતીન કરૂણાશંકર પંડયા અને તેના મહિલા મિત્ર પૂજાબેન ગઇકાલે રાત્રે થયેલા ભેદી ફાયરિંગમાં ઘવાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે પીએસઆઇ પંડયા પોતાની સર્વિસ પિસ્તોલ અનલોડ કે સાફ કરતા હતા ત્યારે અકસ્માતે ગોળી છુટતા આ ઘટના બન્યાનું જાહેર કર્યું છે.

આમ છતાં પોલીસનું કહેવું છે કે, જાણવા જોગ નોંધ કરી ખરેખર અકસ્માતે જ ગોળી છુટી છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. ગઇકાલે રાત્રિનાં સાડા દસ વાગ્યે આ ઘટના બની હતી. જાણ થતાં ઝોન-૨ના ડીસીપી રાકેશ દેસાઇ અને ગાંધીગ્રામ-૨ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં પીએસઆઇ પંડયાએ જણાવ્યું કે, રાત્રે તેની સર્વિસ પિસ્તોલ અનલોડ કરી રહ્યા હતા ત્યારે ગોળી પિસ્તોલની ચેમ્બરમાં ફસાઇ જતાં મિસ્ફાયર થયું હતું. જે ગોળી તેના જમણાં હાથના બાવડાના ભાગે વાગી નજીકમાં ઉભેલી તેની મિત્ર પૂજાને પણ વાગી હતી.
પોલીસનું અનુમાન છે કે, પીએસઆઇ પંડયાના બાવડાના ભાગે ગોળી વાગતા હાડકાનાં કારણે સ્વાભાવિક રીતે ગોળીની દિશા બદલાઇ હતી. એટલે કે ગોળી રીબાઉન્ડ થઇ પાછળ ઉભેલી તેની મિત્ર પૂજાના કમરનાં ભાગે વાગી હતી. તે ભાગમાં ચરબી હોવાથી ગોળી બે કટકા થઇ અંદર ઘૂસી ગઇ હતી. જે ગોળી તબીબોએ ઓપરેશન કરી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટનાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
– સમગ્ર ઘટનામાં કેટલાય પ્રશ્નોના જવાબો હજુ અનુત્તર
રાજકોટ: આ ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. તે સાથે જ અનેક સવાલો પણ ઉભા થયા છે. પોલીસે ભલે ઘટના આકસ્મિક હોવાનું જાહેર કર્યું હોય આમ છતાં કેટલાય સવાલોનાં જવાબો સ્પષ્ટ થયાં નથી. રાત્રે ફ્લેટમાં મહિલા મિત્ર હતી ત્યારે અચાનક પીએસઆઇ પંડયાને પોતાની સર્વિસ પિસ્તોલ લોડ કરવાનું કે સાફ કરવાનું કેમ સુજ્યું, જો તેમ કરવું પડે તેમ જ હતું તો મહિલા મિત્રને દૂર કેમ ન મોકલી, પીએસઆઇ રેન્કનાં અધિકારીઓને કઇ રીતે પિસ્તોલ અનલોડ કરવી તેની તાલીમ આપવામાં આવે છે, આમ છતાં મિસ્ફાયર કેમ થયું તે સહિતનાં સવાલોના જવાબો મળ્યાં નથી.
– પીએસઆઇના પત્ની અલગ રહે છે, મહિલા મિત્રને પતિ સાથે વિખવાદ
રાજકોટ: પીએસઆઇ પંડયા અગાઉ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસો પહેલાં જ તેની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી થઇ હતી. તપાસ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, પીએસઆઇ પંડયા મૂળ ભાવનગરના વતની છે. પત્ની તેનાથી અલગ રહે છે. તેની મિત્ર પૂજાબેન નર્સ તરીકે નોકરી કરે છે. ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વળી પૂજાબેને લવમેરેજ કરેલા છે. તેને પણ પતિ સાથે વિખવાદ ચાલતો હોવાની માહિતી મળી છે. આ જ કારણથી તેણે પતિ સામે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના કામે ગઇકાલે પોલીસે તેનું નિવેદન લીધું હતું. ત્યાર પછી રાત્રે આ ઘટના બની હતી.

