જસદણના કનેસરા ગામે રહેતાં કાજલબેન મેણીયા નામની નવોઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ તેના ભાઈ વિજય કુમારખાણીયા (ઉ.વ.ર૭, રહે. ખડવાવડી, જસદણ)એ તેની બહેનના પતિ-સાગર મેણીયા, સસરા-ચકુભાઈ અને સાસુ-ગીતાબેન સામે ત્રાસ આપી મરવા મજબુર કર્યાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, તે એક ભાઈ અને ચાર બહેન છે જેમાં કાજલ સૌથી નાની હતી, તેના સાતેક માસ પહેલા સાગર સાથે લગ્ન થયા હતા. લગ્નના એકાદ માસ બાદ સાસરીયાઓ ઘરકામ બાબતે તેને અવાર-નવાર મેણા-ટોણા મારી ત્રાસ આપતા તે રીસામણે આવી હતી. ત્રણેક માસ બાદ તેને પરિવારજનોએ સમજાવીને પરત સાસરે મોકલી હતી. ત્યાર બાદ કાજલ તેના ઉપર અવાર-નવાર ફોન કરી તેને અપાતા ત્રાસ બાબતે કહેતી હતી.

બાદમાં આજે ઘરે ગળેફાંસો ખાઈ કાજલબેને જીંદગી ટુંકાવી લીધી હતી. જસદણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

