રાજકોટની જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ હાલ એક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં (OT), જ્યાં દર્દીનો જીવ બચાવવા માટે અત્યંત ગંભીરતાની જરૂર હોય છે, ત્યાં ડો. જીગરસિંહ જાડેજા નામના તબીબની રીલ બનાવવાની ઘેલછા સામે આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ ઓપરેશને ડોક્ટર સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યા છે. તબીબી વ્યવસાયમાં ઓપરેશન થિયેટરના કડક નિયમો અને દર્દીની પ્રાઈવસી હોય છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે.

આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે જો રીલ બનાવવાની લ્હાયમાં ડોક્ટરનું ધ્યાન ભટકે અને દર્દી સાથે કોઈ અનહોની સર્જાય તો તેની જવાબદારી કોની? હોસ્પિટલ તંત્ર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તબીબની આ બિનજવાબદાર વર્તણૂકથી મેડિકલ એથિક્સ પર મોટા સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા આવા બેદરકાર તબીબો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
