RAJKOT : અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ

0
33
meetarticle

  અમરેલી જિલ્લામાં 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સાવરકુંડલા તાલુકાના પ્રખ્યાત માનવ મંદિર આશ્રમ ગુરૂકુળના એક વિદ્યાર્થીમાં કોંગો ફીવર જેવા લક્ષણો જણાતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ અને સારવાર બાદ વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની તબિયત હાલમાં સ્થિર અને સારી હોવાનું આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.આ શંકાસ્પદ કેસની જાણ થતાં જ અમરેલી જિલ્લાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.માનવ મંદિર આશ્રમ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી.ટીમે આશ્રમ, હોસ્ટેલ અને મુખ્યત્વે ગૌશાળાના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી રોગના મૂળને શોધી શકાય. સાવચેતીના ભાગરૂપે ગૌશાળા અને આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ (ફ્યુમિગેશન) કરવામાં આવ્યો છે.અમરેલી જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે.સિંધે સંકાસ્પદ કેસની પૃષ્ટી કરી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષીએ જણાવ્યું કે, વિદ્યાર્થીને તાવ અને ઉલટીના લક્ષણો હતા. શંકાસ્પદ કોંગોના લક્ષણો જણાતા તા. ૩જી ડિસેમ્બરે તેના બ્લડનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 12 વર્ષ પહેલા, 2013ની આસપાસ, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના ૮ જેટલા કેસ નોંધાયા હતા. તે સમયે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here