રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની કિંમતી જમીન આવેલી હતી. ટ્રસ્ટડીડમાં આ જમીન વેંચવા પર મનાઈ હોવા છતાં આ કિંમતી જમીન પાણીના ભાવે વેંચી નખાઈ છે એવા રોષ સાથે પૂર્વ વિદ્યાર્થીઓની હિત રક્ષક સમિતિએ આનંદ આશ્રમ બચાવવા અભિયાન શરૂ કર્યું છે. તંત્ર ટ્રસ્ટીઓને છાવરી રહ્યું છે અને સરકાર કોની લાજ કાઢે છે એવો સવાલ ઉઠાવ્યો છે.

રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વિધવા સાધિકા બહેનોએ બિલખા આનંદ આશ્રમના મહાત્માને 1500 વાર જેટલી જમીન દાનમાં આપી હતી. સમિતિનું કહેવું છે કે આ જમીન ક્યારેય વેંચવી નહી તેવો ટ્રસ્ટડીડમાં ઉલ્લેખ છે છતાં બિલખા આનંદ આશ્રમના વગદાર ટ્રસ્ટીઓએ 2020-21 માં આ કિંમતી જમીન પાણીના ભાવે વેંચી નાખી હતી. કથિતપણે નિયમ વિરૂધ્ધ વેંચાયેલી આ જમીન બચાવવા આશ્રમના પૂર્વ વિદ્યાર્થીઓ, સાધકો તથા શિષ્યોએ હિત રક્ષક સમિતિ બનાવી છે. જેઓએ સંસ્થાની જમીન બચાવવા માટે કલેક્ટર, સંલગ્ન સરકારી વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય સહિત 15 સ્થળે આવેદનપત્ર આપ્યા છે. જૂનાગઢ ચેરિટી કમિશનરને લેખિત નિવેદન આપ્યું છે. સરકારમાંથી તપાસ અંગેની ટકોર હોવા છતાં પણ તંત્ર દ્વારા ટ્રસ્ટીઓને છાવરવામાં આવી રહ્યા છે એવા બળાપા સાથે આનંદ આશ્રમ હિત રક્ષક સમિતિના સભ્યોએ ઉમેર્યું કે ટ્રસ્ટીઓએ આશ્રમના આદ્યસ્થાપકના ટ્રસ્ટડીડ વિરૂધ્ધ ગેરવહીવટ કર્યો હોવાના તથ્ય સામે આવ્યા છે. આ ઉપરાંત, 50 કિલોનો ચાંદીનો મંડપ ઓગાળી નાખવો, લાયકાત વગરના ટ્રસ્ટીઓને ટ્રસ્ટમાં લેવા, સગાવાદ આચરી ઉચા પગારથી ભરતી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે અને સરકાર આ બાબતે પગલા લેવામાં કોની લાજ કાઢી રહી છે તે સવાલ ઉઠાવ્યો છે. હિત રક્ષક સમિતિએ જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી માંગ કરી છે.હિત રક્ષક સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, ‘જેને જમીન વેંચવામાં આવી છે તે વચેટીયાઓ મારફત સમાધાન માટેના પ્રયાસો કરે છે પરંતુ અમે ગુરૂદેવનું અન્ન ગ્રહણ કર્યું છે આથી આશ્રમની કિંમતી જમીન તેમજ ટ્રસ્ટીઓના ગેરવહીવટ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી લડત ચાલું રાખવા નિર્ણય કર્યો છે.’

