રાજકોટના ગોંડલ રોડ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીક આવેલી ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજે એકાદ કરોડ રૂપિયાનું એક કિલો સોનું રહસ્યમય રીતે ગાયબ થઇ ગયું છે. ગત માર્ચ માસમાં આ અંગે બેન્કના અધિકારીઓને જાણ થઇ હતી. એ ડિવિઝન પોલીસે સ્ટ્રોંગ રૂમની જવાબદારી સંભાળતા સાતેક કર્મચારીઓના ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે સાયન્ટિફીક ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.

ઇન્ડિયન બેન્કમાંથી ગ્રાહકોએ ગોલ્ડ લોન પેટે જે દાગીના ગિરવે મૂક્યા હતા તેના બે પેકેટ ગાયબ થયા છે. બંને પેકેટમાં અંદાજે એકાદ કિલો સોનું હતું. દર ત્રણ મહિને બેન્કમાં ઓડીટ થાય છે. ગત માર્ચ માસમાં ઓડીટ વખતે ચોરી થયાની જાણ થઇ હતી. આમ છતાં બેન્કના અધિકારીઓએ તત્કાળ કોઇ કાર્યવાહી કરી ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેક માસ પહેલા બેન્કના મેનેજરે અરજી આપી હતી. જેના આધારે જાણવાજોગ દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ સોનુ કોણે ચોર્યું તે વિશે કોઇ ઠોસ માહિતી મળી ન હતી. આ સ્થિતિમાં હવે બેન્કના સાતેક કર્મચારી અને અધિકારીઓના એસડીએસ અને એલવીએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર એફએસએલ ખાતે આગામી તા. 27 જાન્યુઆરીથી લઇ તા. 6 ફેબ્રૂઆરી સુધી આ ટેસ્ટ કરાવાશે. ત્યાર પછી જ સોનુ ખરેખર કોણે ચોર્યું તે વિશે ખુલાસો થશે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગોલ્ડ લોન લેનાર ગ્રાહકો હવે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. તેઓ પોતાનુ સોનુ પરત મેળવવા બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. બેન્કના અધિકારીઓ પણ તેમને કોઇ સરખા જવાબ નહીં આપતા હોવાના આક્ષેપો થયા છે.

