કાળી ચૌદશના દિવસે મેલીવિદ્યા અને ભૂત-પ્રેતના ડર સંબંધી અંધશ્રદ્ધાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે વિજ્ઞાન જાથા દ્વારા આ વર્ષે પણ રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના મુક્તિધામમાં આ ઉજવણીનું ૩૨મું વર્ષ પૂર્ણ થશે.વિજ્ઞાન જાથાના જયંત પંડયાના જણાવ્યા અનુસાર, જાગૃતો પોતાના ગામના સ્મશાનમાં એકઠા થઈને મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ આપશે, જેથી તેનો ભય કાયમી દૂર કરી શકાય. આ ઉપરાંત, નનામી ઉપર ચા બનાવી હાજર લોકોને ચુસ્કી મારવા આપવામાં આવશે અને રાત્રે સ્મશાનના ખાટલે વડા આરોગવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ભૂત-પ્રેતનો બિહામણો ચહેરો અને તેનો ભયનો પર્દાફાશ કરવામાં આવશે.

આ જાગૃતિ કાર્યક્રમોની તૈયારીઓ ગુજરાતના રાજકોટ, અમદાવાદ, ભરૂચ, સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ, જામનગર સહિત ૩૦થી વધુ જિલ્લાઓ અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આરંભી દેવાઈ છે. વિજ્ઞાન જાથાએ કાયદાની મંજૂરી મેળવીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાર્યક્રમો યોજવા માટે લોકોને અપીલ કરી છે. જાથાના અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રાજુ યાદવ સહિત અનેક કાર્યકરો આ અભિયાનમાં જોડાશે.
