મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ આજે જંગલેશ્વરની મૂરગા ગેંગના ૨૧ સભ્યો સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમાંથી ૧૧ સભ્યોની ધરપકડ કરી હતી. મૂરગા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગંભીર પ્રકારના ૩૬ ગુના આચર્યા હતાં. જેને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મૂરગા ગેંગના સભ્યો વિરૂધ્ધ રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન પ્રાણઘાતક હથિયારો વડે ખૂનની કોશિષ, સરાજાહેર ફાયરિંગ, ગેરકાયદે મંડળી રચી હુમલા, ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરવી, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હુમલા કરવા, ધાકધમકીઓ આપવી, ગેરકાયદે હથિયાર અને ડ્રગ્સનું વેચાણ, સરકારી માલ-મિલ્કતને નુકસાન સહિતના ૩૬ ગુના નોંધાયા હતાં.જેને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી. બસિયા છેલ્લા ઘણા સમયથી મૂરગા ગેંગના સભ્યો વિરૂધ્ધ અત્યાર સુધી નોંધાયેલા તમામ ગુનાની માહિતી અને ચાર્જશીટ સહિતના દસ્તાવેજો એકત્રિત કરતાં હતાં. ત્યાર પછી આજે મૂરગા ગેંગના ૨૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો.
મૂરગા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન દારૂના ૨૦, જુગારના ૯ અને માદક પદાર્થનો ૧ ગુનો આચર્યો હતો. જો કે આ તમામ ગુનાઓ ગુજસીટોકમાં ધ્યાને લેવાયા નથી. મૂરગા ગેંગના ૫ સભ્યો હાલ જેલમાં છે. ૧૧ની આજે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ૫ સભ્યો હજુ વોન્ટેડ છે. જેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમો કામે લગાડાઇ છે.
મૂરગા ગેંગની હરિફ પેંડા ગેંગના ૧૭ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. પેંડા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૭૧ ગુના આચર્યા હતાં. જ્યારે પ્રોહીબીશનના ૭૨, જુગારનો ૧ અને માદક પદાર્થોનો પણ ૧ ગુનો આચર્યો હતો.
અત્યાર સુધી બંને ગેંગ સામે ગમે તે કારણસર પોલીસ રહેમનજર નાખીને બેઠી હતી. મંગળા રોડ પર બંને ગેંગ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયા બાદ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા પોલીસની ઊંઘ ઉડી હતી. જેને પગલે જ બંને ગેંગ સામે હવે ગુજસીટોક હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પેંડા ગેંગના તમામ ૧૭ સભ્યોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. તપાસના અંતે તમામને રાજ્યની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા હતાં. ગુજસીટોકમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે જે અત્રે ઉલ્લેખનીય છે.

