ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી (ઉ.વ.૩૩)એ ગઈકાલે કાલાવડ રોડ પરની નુતનનગર સોસાયટીમાં આવેલા મકાનના ઉપલા માળે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેણે કયા કારણથી ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું તે વિશે માલવીયાનગર પોલીસને આજે પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

આ ઘટના બાદ જીતનો મોબાઈલ ફોન મળ્યો ન હતો. પોલીસે તેના રૂમ અને હોસ્પિટલમાં તપાસ કરી હતી. પરંતુ ત્યાંથી પણ મોબાઈલ ફોન મળ્યો ન હતો. પરિવારજનોએ મોબાઈલ ફોન ક્યાં ગયો તે વિશે અજાણ હોવાનું કહેતા રહસ્ય સર્જાયું છે. હાલ પરિવારજનોએ જીત પાસે એક મોબાઈલ ફોન હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે તે નંબરની કોલ ડીટેઈલ કઢાવવા તજવીજ શરૂ કરી છે. જેમાંથી મહત્વની માહિતી મળે તેવી શક્યતા પોલીસ જોઈ રહી છે.
ગઈકાલે પરિવારજનોએ જીત છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું અને દવા લેતો હોવાનું કહ્યું હતું. આજે પોલીસે તેની માતા અને પત્ની સહિતનાં પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. પરંતુ હાલમાં તેઓ અસ્વસ્થ હોવાથી કોઈ ચોક્કસ માહિતી જણાવી ન હતી. આ સ્થિતિમાં પોલીસ એક બે દિવસ બાદ ફરીથી તેમની પુછપરછ કરશે.
ડિપ્રેશનને કારણે જીતે આ પગલું ભર્યાના તારણ પર પોલીસ પહોંચી છે. પરંતુ ક્યા કારણથી ડિપ્રેશનમાં હતો તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પરિવારજનોએ પણ આ બાબતે કાંઈ જણાવ્યું નથી. જેને કારણે પોલીસ હવે જીત જેની સારવાર લેતો હતા તે સાઈકીયાટ્રીસ્ટની પુછપરછ કરવાનું પણ વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જીત સામે એકાદ વર્ષ પહેલા તેની મંગેતરે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં તેના હાઈકોર્ટથી આગોતરા જામીન મંજુર થયા હતાં. તપાસનાં અંતે પોલીસે તેના વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધું હતું. જે પણ હોય તે જીતના આપઘાત પાછળ કોઈ ગંભીર કારણ હોવાનું પોલીસ માની રહી છે. આ જ કારણ છે કે, આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ જારી રાખી છે.

