RAJKOT : ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ

0
32
meetarticle

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના સાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના પાછળનું કારણ એક વર્ષ જૂની દુષ્કર્મની ફરિયાદ હોવાનું મનાઈ રહ્યું છે, જેનો દિવસ અને આજની તારીખ એક જ હોવાનો કમનસીબ સંયોગ સર્જાયો છે. આ મામલે જાણકારી મળતાં જ માલવિયાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

દુષ્કર્મની ફરિયાદની વરસીએ જ ભર્યું આઘાતજનક પગલું

આ આત્મહત્યા કેસમાં સૌથી આઘાતજનક બાબત તેની તારીખ છે. જીત પાબારીએ બુધવાર, 26 નવેમ્બર, 2025ના રોજ પોતાનું જીવન ટૂંકાવ્યું. બરાબર એક વર્ષ પહેલાં, એટલે કે 26 નવેમ્બર, 2024ના રોજ, જીતની પૂર્વ મંગેતર દ્વારા તેની વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદની એ જ તારીખે આત્મહત્યા કરી લેતા, એવી આશંકા પ્રબળ બની છે કે જીત છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કેસના કારણે ભારે માનસિક દબાણ અને તણાવ હેઠળ હતો.

શું હતા પૂર્વ મંગેતરના આરોપો?

ગત વર્ષે નોંધાયેલી ફરિયાદમાં જીતની પૂર્વ મંગેતરે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે જીત પાબારીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગાઈ કર્યા બાદ પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જીતે સગાઈ તોડી નાખી હતી. આ આરોપોને પગલે જીત સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી.

પૂજા પુજારાએ ભાઈ ગુમાવ્યો, પરિવાર આઘાતમાં

આ ઘટનાથી ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારા અને તેમના સમગ્ર પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. પુજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના વતની છે પરંતુ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સસરા રસિકભાઈ પાબારી કોટન જિનિંગ ફેક્ટરીના માલિક છે. આ દુઃખદ ઘટના બાદ માલવિયાનગર પોલીસની ટીમ તાત્કાલિક ખાનગી હૉસ્પિટલ પહોંચી હતી, જ્યાં તબીબોએ જીતને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરુ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here