ફિશિંગની નવી સિઝન શરૂથયાનાં અઢી મહિના દરમિયાન માછીમારોને ખરાબ હવામાન અને ચક્રવાતની ચેતવણીના કારણે ખૂબ મોટું નુકશાન થયું હોઇ માછીમારોને રાહત પેકેજ આપવા માંગણી ઉઠી છે. છેલ્લા 4 મહિના દરમિયાન પ્રતિકુળ હવામાનને લીધે ફિશીંગ અટકી જતા 40,000થી વધુ બોટોને દરિયા કાંઠે પરત લાવવી પડી છે. મજુરોના પગાર ડિઝલ સહિતના ખર્ચ માથે પડતા સંખ્યાબંધ માછીમારોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે.

15 ઓગસ્ટ 2025થી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂઆત થઇ હતી. પરંતુ આ વર્ષે શરૂઆતથી જ માછીમારો માટે સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણથી ચાર ચક્રવાતો-વાવાઝોડું અરબી સમુદ્રમાં સર્જાયા છે. જેના કારણે નાની મોટી 40,000 બોટો અને FRP પીલાણાને ફિશરીઝ વિભાગ તથા હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરાતા મધદરિયે પહોંચેલી બોટોને પણ દરિયાકિનારે પરત ફરવું પડયું હતું.

